અમદાવાદમાં નેપાળી દંપતિએ કરી આત્મહત્યા, ચોંકાવનારા સીસીટીવી ફૂટેજથી મચી ચકચાર - Ahmedabad Crime News - AHMEDABAD CRIME NEWS
🎬 Watch Now: Feature Video
Published : May 15, 2024, 4:30 PM IST
અમદાવાદઃ શહેરના ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટમાં કામ કરતા નેપાળી દંપતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. અનુશ્રી એપાર્ટમેન્ટમાં સીક્યુરિટી તરીકે નોકરી કરતા ગણેશ બહાદુર બસનેત અને તેના પત્ની સુમીબેનના અચાનક મૃત્યુથી અન્ય નેપાળી નાગરિકો તેમજ એપાર્ટમેન્ટનાં રહીશોમાં ચકચાર મચી ગઈ છે. ગણેશ બહાદુરનો મૃતદેહ એપાર્ટમેન્ટના બહારના ભાગમાંથી મળી આવ્યો હતો અને પત્ની સુમીબેનનો મૃતદેહ પાર્કિંગ એરિયામાં આવેલી તેમની રૂમ પાસેથી મળ્યો હતો. સવારના સમયે કોઈ રાહદારીએ રસ્તા પર મૃતદેહ જોતા 108 અને પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ અનુશ્રી એપાર્ટમેન્ટ પહોંચી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ બી ડિવિઝન એસીપી એચ. એમ. કણસાગરાએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે નેપાળી દંપતી 4 થી 5 મહિનાથી અનુશ્રી એપાર્ટમેન્ટમાં રહી સીક્યુરિટી અને ઘરકામ કરતા હતા. ગત રાત્રે ગણેશ બહાદુર નગ્ન હાલતમાં ફરતો હોવાના પણ સીસીટીવી ફૂટેજીસ મળી આવ્યા છે. હાલ પોલીસે બંનેના મૃતદેહ પીએમ માટે મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટમાં બંનેના મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે. જોકે પોલીસ ગણેશ બહાદુર શા માટે નગ્ન અવસ્થામાં ફરતો હતો તેની તપાસ પણ કરી રહી છે. રાતના સમયે તેણે નશો કર્યો હતો કે કેમ આ તમામ મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.