કાયદો હાથમાં લેનારા લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવ્યો, સરકારી હોસ્પિટલમાં કરી હતી ધમાલ - Porbandar News
🎬 Watch Now: Feature Video
પોરબંદર : GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસિંહજી હોસ્પિટલમાં ગતરોજ કેટલાક અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. 23 જૂનના રોજ રાત્રીના સમયે ચાર જેટલા શખ્સોએ હોસ્પિટલમાં આવી હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગમાં આતંક મચાવ્યો હતો. સાથે જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ભરત ભાણજીભાઈ તાવરી સહિતના સ્ટાફ પર હુમલો કર્યો, ઉપરાંત ફાવે તેમ બોલી અને ગાળો પણ આપી હતી. સાથે જ તબીબને ધમકી આપી હતી કે, તું અમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને મારી નાખીશું. આ બાબતે ડો.ભરત તાવરીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. બાદમાં સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદીયા, શરદ દિનેશ રાઠોડ, ધવલ સવદાસ અને કલ્પેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં પોલીસે હોસ્પિટલમાં સરભરા કરી અને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ કાન પકડી તબીબની માફી માંગી અને કહ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આ પ્રકારનું વર્તન નહિ કરીએ. ડો. ભરત તાવરીએ પોલીસ અધિકારી અને સ્ટાફનો આભાર માન્યો હતો.