ગોંડલમાં દલિત સમાજને અપશબ્દો બોલનાર યુવક વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ - Rajkot Case
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 7:03 PM IST
|Updated : Jun 9, 2024, 8:48 PM IST
રાજકોટ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢના દલિત યુવકને માર મારતા પોલીસે ગણેશની ધરપકડ કરી છે. આ પ્રકરણના છાંટા ગોંડલમાં પણ ઊડયા છે. ત્યારે ગોંડલના ક્ષત્રિય યુવાને દલિત સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલતો અને જુનાગઢ પ્રકરણમાં પીડીત યુવકના પિતાને અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. દલિત યુવાનો રાત્રીના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ક્ષત્રિય યુવક વિરુદ્ધ ગોંડલ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલ ભગવતપરામાં શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જગદીશ જીવાભાઇ રાઠોડે ગોંડલ પોલીસ સ્ટેશનમાં સિધ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપી સિધ્ધરાજસિંહ ઝાલાએ જુનાગઢ દલિત યુવક પર હુમલા પ્રકરણમાં દલિત સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ કરતો વીડિયો વાઈરલ કર્યો હતો. ગત તારીખ 7 જૂનને રાત્રે જગદીશના ફોનમાં ભત્રીજા મનોજ ઉર્ફે અપ્પુ સુરેશ પરમારે વીડિયો વોટ્સએપ પર મોકલ્યો હતો. વીડિયોમાં જૂનાગઢમાં બનેલા બનાવ અંગે દલિત સમાજના સંજય રાજુભાઈ સોલંકીને સિધ્ધરાજસિંહ અપશબ્દો બોલતો હતો. વીડિયોમાં સિધ્ધરાજ અનુસૂચિત જાતિને સંબોધીને બોલ્યો કે સાવરણો લઈ લો. થોડા સમયમાં આ વીડિયો દલિત સમાજમાં વાઈરલ થઈ ગયો હતો.
જૂનાગઢમાં દલિત સમાજના યુવાન સંજય રાજુ સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશે માર માર્યો હતો. સમગ્ર પ્રકરણમાં ગણેશ અને તેના પિતા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને ગાળો આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેનો ખાર રાખી સિદ્ધરાજ ઝાલાએ અનુસૂચિત જાતિને અપશબ્દો બોલતો વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. અનુસૂચિત જાતિને અપશબ્દો બોલતો વીડિયો વાઈરલ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
દલિત સમાજના યુવકો વાછરા રોડ પર એકત્ર થયા હતા. તેઓ સિદ્ધરાજસિંહની શોધખોળ કરવા માટે તેમના ગામ જવાના હતા. થોડા સમયમાં જગદીશભાઈ ત્યાં પહોંચ્યા હતા. તેમણે યુવાનોને શાંત કરી જણાવ્યું કે, સિધ્ધરાજના ઘરે જવું એના કરતાં આપણે તેની વિરુદ્ધ કાયદાકિય લડાઈ શરૂ કરીએ. જગદીશના મામાના દિકરા ચિરાગ બાબુ સોલંકીને સિધ્ધરાજનો કોલ આવ્યો હતો. કોલમાં સિદ્ધરાજે જણાવ્યું કે, તમારાથી જે થાય તે કરી લ્યો. બાદમાં જગદીશભાઈએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં સિધ્ધરાજ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે I.P.C કલમ-504, 507 તથા એટ્રોસીટી એક્ટ કલમ-3(2)(5-A), 3(1)(R)(S) તથા I.T. એક્ટ કલમ-67 મુજબ ગુનો દાખલ કર્યો છે.