સુરત : પરીક્ષાની ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે યુનિવર્સિટી તરફથી કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ઉત્તરવહીમાં રૂપિયા મુકનાર વિદ્યાર્થીઓ પાસે અઢી હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં ઉત્તરવહીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓને સિવિલ સર્જન પાસેથી મેન્ટલ સર્ટિફિકેટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા : થોડા દિવસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજ અને વિભાગમાં પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષા પહેલા યુનિવર્સિટી તંત્ર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમો ખાસ આવા વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવ્યા છે કે જે ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખતા હોય છે. એટલું જ નહીં પાસ કરવા માટે લાલચ રુપે ઉત્તરવહીમાં ચલણી નોટો પણ મૂકે છે.
ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકવી : ભૂતકાળમાં યુનિવર્સિટીની પરીક્ષામાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે ઉત્તરવહીમાં રૂ.100 થી લઈ રૂ.500 ની ચલણી નોટો મૂકી ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર જોઈને અભદ્ર ભાષા પણ ઉત્તરવહીમાં લખે છે. આવા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા માટે યુનિવર્સિટી દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.
પરીક્ષાર્થી આ નોંધી લો : આ અંગે VNSGU ના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં ગેરરીતિની આશંકા હોય છે. આ માટે અમે સીસીટીવી દ્વારા પણ મોનિટરિંગ કરતા હોઈએ છીએ. આ સાથે વિવિધ સ્કોડ દ્વારા પણ ચેકીંગ હાથ ધરાય છે. આ વખતે જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મુકતા ઝડપાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વિદ્યાર્થીને આર્થિક દંડ સ્વરૂપે અઢી હજાર રૂપિયા ફટકારવામાં આવશે. સાથે વિદ્યાર્થીને આગામી લેવાનાર પૂરક અને ઓન ડિમાન્ડ પરીક્ષાથી છ મહિના સુધી દૂર રાખવામાં આવશે.
ગેરરીતિ રોકવા યુનિવર્સિટી સજ્જ : કિશોરસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં માઈક્રો ઝેરોક્ષ સાથે ઝડપાશે તો તેમને રુ. 500 દંડ ફટકારવામાં આવશે. સાથે ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાથી દૂર રાખવામાં આવશે. જો કોઈ અભદ્ર ભાષા લખાણ લખતા ઝડપાશે તો તેમને સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટે આદેશ પણ કરાયા છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક કાર્યવાહી કરવા માટે યુનિવર્સિટી સજજ છે.