બનાસકાંઠા: જિલ્લામાં વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનતા વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપ્યું હતું. આ ખાલી પડેલી વાવ બેઠક પર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારથી જ એડીચોટીનું જોર લગાવતા નજરે પડી રહ્યાં છે.
કોંગ્રેસે હાથ ધરી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા સોમવારે વાવ ખાતે લોકનિકેતનમાં યોજાઇ હતી, આ બેઠકમાં એઆઇસીસીના સેક્રેટરી સુભાષીની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત અગ્રણી કોંગ્રેસી આગેવાનો ભાગ લીધો હતો.
પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસના અપેક્ષિત ઉમેદવારો પણ આ સેન્સ પ્રક્રિયા માટે આવ્યા હતાં અને તેની સાથે જ હવે વાવ વિધાનસભા બેઠક પર રાજકીય દાવ ખેલાઈ રહ્યો છે, કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક હવે શાખનો સવાલ બની રહ્યો છે. જ્યારે ભાજપ પણ વાવ બેઠકને જીતવા માટે કોઈ કસર નહીં છોડે...
ગુલાબસિંહ રાજપુતનું નિવેદન: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસના નિરીક્ષકો અપેક્ષિત ઉમેદવારોને પણ સાંભળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અપેક્ષિત ઉમેદવારોમાં કેપી ગઢવી, ઠાકરશી રબારી, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ જોશી અપેક્ષિત ઉમેદવારો તરીકે આવ્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું છે કે મે દાવેદારી કરી નથી પરંતુ જે કોઈપણ ઉમેદવારને કોંગ્રેસ પક્ષ અહીં મૂકશે તેના સમર્થનમાં રહીશ.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ: અત્યારે તો નિરીક્ષકો આ અપેક્ષિત ઉમેદવારોને સાંભળી રહ્યા છે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, ત્યારે આગામી દિવસોમાં જ ખબર પડશે કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ક્યાં ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે..બીજી તરફ મ પેટા ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોતાની જીત ગણાવી રહ્યાં છે.