વલસાડ : 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર લોકો રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 75માં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને વલસાડ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં વાપી તાલુકાના બલીઠા ગામે યોજાયો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી : વાપી તાલુકાના બલીઠા ગામે આવેલ પુરુષ અધ્યાપન કોલેજ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મુકેશ પટેલના હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગવાયું હતું. ત્યારબાદ પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
દરિયાઈ ધોવાણ અટકાવવા ઝુંબેશ : આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, 25 મી જાન્યુઆરીના રોજ પદ્મશ્રી એવોર્ડની જાહેરાતમાં વલસાડ જિલ્લાના યઝદી ઇટાલિયાની પસંદગી થતા તેમણે વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ નવા યુગની શરૂઆત થઈ છે. વલસાડ જિલ્લાના નાનીદાંતી, મોટી દાંતીના દરિયાઈ ધોવાણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા 51 કરોડની રકમ મંજૂર કરી છે. દેશમાં રામરાજ્ય બાદ રામ રાષ્ટ્રની શરૂઆત થઈ રહી છે. મુકેશ પટેલ વરસાદી પાણીને દરિયામાં જતું રોકવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વાપી નજીકની દમણ-ગંગા નદી અને વલસાડ નજીકની ઔરંગા નદીના વિકાસ માટે 200 કરોડ રૂપિયા આસપાસની રકમ જાહેરાત અંગે વાત કરી હતી.
વલસાડ જિલ્લો દેશભક્તિએ રંગાયો : વલસાડ જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં જુજવા ગામમાં આઈ.પી. ગાંધી હાઈસ્કૂલ ખાતે વલસાડ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ , પારડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં અંબાચની બી.કે.એમ. સેકન્ડરી અને પરીખ અઢીયા ચેરીટેબલ ટ્રસ્ટ હાયર સેકન્ડરી સાર્વજનિક સ્કૂલ ખાતે, ઉમરગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં ભીલાડ શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે, વાપી તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાપી ગ્રામ્ય નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં રાતાની સારસ્વત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે, ધરમપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં બિલપુડી ગામમાં નિશાળ ફળિયા ખાતે, કપરાડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં દહીંખેડ ગામની પ્રાથમિક શાળામાં તેમજ વાપી નગરપાલિકા સહિતની નગરપાલિકા કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
વિવિધ યોજનાઓની ઝાંખી રજૂ કરી : ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાની ઉજવણીમાં વલસાડ કલેકટર, વલસાડ, ધરમપુર વિધાનસભાના ધારાસભ્યો, વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સહિત જિલ્લાના રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા કોલેજના બાળકોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. તો જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા ટેબ્લો સાથે દેશના વિકાસની અને વિવિધ યોજનાઓની ઝાંખી રજૂ કરાય હતી.