નવસારી: વાંસદા તાલુકાના ઉપસળ ગામે માતા સાથે જઈ રહેલી સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકીને બચાવવા માટે માતા અંજનાબેને ગર્ભવતી હોવા છતાં વહાલ સોઈ દીકરીને બચાવવા માટે દીપડા સામે બાથ ભીડી હતી. પોતાના કાળજાના ટુકડા સમાન દીકરીને બચાવવા માટે માતાએ પોતાના જીવને જોખમમાં મૂકી દીધો હતો અને દીકરીને બચાવવામાં સફળ રહી હતી.
દીપડાના હુમલામાં બાળકીને ગળાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા છે અને વાંસદાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. નવસારીના વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે બાળકી પર હુમલાબાદ ઉપસળ ગામે ફરી દીપડાએ છ વર્ષીય બાળકીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેની સામે તેની માતા ઢાલ બનીને ઉભી રહી અને હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી તેને ભગાડ્યો હતો. જેથી માતા અને પુત્રી બંનેનો બચાવ થયો હતો. ત્રણ દિવસમાં બે બાળકીઓ ઉપર હુમલાની ઘટના બાદ વન વિભાગ સતર્ક થયું છે અને દીપડાને પકડવાની તજવીજ આરંભી છે.
નવસારી જીલ્લો દીપડાઓનું અભ્યારણ્ય બની રહ્યો છે. એક અનુમાન મુજબ નવસારીમાં 100 થી વધુ દીપડા ફરતા હોય એવી સ્થિતિ છે. ત્યારે વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે ત્રણ દિવસ અગાઉ ઘર આંગણે રમી રહેલી એક 6 વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકીને 22 ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેને ઓપરેશનનો સામનો પણ કરવો પડ્યો હતો.
આ ઘટનામાં વન વિભાગ હજુ દીપડાને પકડે એ પૂર્વે નજીકના ઉપસળ ગામે ગત સાંજે દીપડાએ ફરી છ વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની માતા સાથે કાકાને ઘેર જઈ રહેલી બાળકી ઉપર દીપડાએ તરાપ મારતા માતાએ હિંમત દર્શાવી બાળકીને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકીને પોતાની પાસે લઈ સામે દીપડા ઉપર વાર કર્યો હતો. પરંતુ દીપડાએ દહાડ મારી માતા ઉપર હુમલો કર્યો, જેમાં માતાએ હિંમતથી ફરી પોતાની પાસેની બેટરીથી દીપડાને મુકો માર્યો અને દીપડો પકડાઈ પડ્યો હતો. સાથે જ બૂમાબૂમ કરતા અન્ય લોકો આવી જતા દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.
એક પછી એક બે બાળકી ઉપર હુમલો કરનાર દીપડો એક જ હોય એવા અનુમાન સાથે અને દીપડો માનવભક્ષી બની રહ્યો હોય એવી સ્થિતિ જાણતા વન વિભાગ પણ સતત થયું છે. મોટી વાલઝર અને ઉપસળ ગામમાં 15 પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે. દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ બન્યો છે ગામ લોકોનું માનીએ તો દીપડો ડુંગર પરથી સાંજે નીચે ઉતરે છે, અને ખોરાકની શોધમાં હુમલો કરી રહ્યો છે. જેથી ગ્રામજનો દીપડાને વહેલામાં વહેલું પકડવામાં આવે એવી વિનંતી કરી રહ્યા છે.