બનાસકાંઠા: અંબાજીમાં ભરબજારમાં જ અસમાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી અને માર મારવાની ઘટના બન્યા બાદ અંબાજીના વેપારીઓ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો સાથે આજે વહેલી સવારે સ્વયંભૂ બજારો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. અંબાજીમાં વધતા અસામાજિક તત્વોના ત્રાસને કારણે ગઈકાલે વેપારીઓએ બેઠક કરી આ બજારો સ્વંયભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે, નિર્ણય બાદ આજે સવારે સ્વયંભૂ બજાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સામે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. બજારમાં ભયનો માહોલ ઉભો કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓ બંધમાં જોડાયા હતા.
બીજી તરફ વેપારીઓમાં વધતા રોશને લઈને પોલીસે પણ આ દિશામાં કડક કાર્યવાહી કરી છે. અને તાત્કાલિક અસરથી જાહેર બજારમાં પથ્થરમારો કરી માર્કેટ કરનારા બે શખ્સોની હાલ અટકાયત કરી દીધી છે. આ મામલે અંબાજી પોલીસે કહ્યું કે, બજારમાં પથ્થરમારો કરનારા બે શખ્સોની અમે અટકાયત કરી છે અને આ બાબતે વ્યાપારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. જેથી વેપારીઓએ સમજૂતી સાથે બજાર શરૂ કર્યું છે.
મહત્વનું છે કે, આગામી દિવસોમાં માઁ અંબાના ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે. જે માટે અત્યારથી જ વહીવટી તંત્ર કામે લાગી રહ્યું છે. આજે અંબાજીમાં બનાસકાંઠા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવામાં લાગનાર સેવા કેમ્પોના સંચાલકો સાથે બેઠક કરી હતી અને જરૂરી તમામ દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી 2024ના ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શને અંબાજી ઉમટી પડવાના છે. તે દરમિયાન કાયદા વ્યવસ્થાની તમામ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ વાયરલ: અંબાજીમાં દુકાનદાર સાથે મારપીટ કરી પથ્થરમારો કરનારા શખ્સોના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. જે બાદ નગરજનો અને ભક્તોમાં જાહેરમાં કાયદો વ્યવસ્થા હાથમાં લઈ ભય ફેલાવતા આવા અસામાજિક તત્વો સામે રોષ વ્યકત કર્યો હતો.
આરોગ્ય મંત્રીના ભાઈ સાથે મારપીટ: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. રાજ્ય આરોગ્ય મંત્રીના સગા ભાઇ સાથે મારપીટ થયાની ઘટનાએ વેગ પકડ્યો હતો. જે બાદ પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યુ હતુ. આ સિવાય અંબાજીમાં બાઇક સ્નેચિંગ સહિતની ઘટનાઓ પણ ઘટી રહી છે. જેને લઇ વેપારીઓમાં રોષ છે.