ગાંધીનગર: આજથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે ભાજપ અને કોંગ્રેસ સામે આવી ગયા હતા. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો. રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા.
કોંગ્રેસના ધારાસ્યએ શું સવાલ કર્યો? કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો સવાલ હતો કે શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કૂલ 176 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે.
શિક્ષણ મંત્રીએ આપ્યો આ જવાબઃ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે શાળામાં શિક્ષકોની ઘટ હોય છે, તો આ વાત દર વખતે ભરતી કેમ્પમાં આ બાબત ધ્યાન પર આવતી હોય છે. કૂલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી પણ ખરેખર કૂલ 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકોની વાત કરે છે એ 176 નથી પણ કૂલ 134 શિક્ષકો છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 130 શિક્ષકો પૈકી 10 ને બરતરફ કર્યા છે જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી એવું કંઈ નથી.
જ્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો વિદેશ પ્રવાસે છે એ કહેવું ખોટું ગણાશે. કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રશ્ન કર્યો કે બે શિક્ષકોને મારા મત વિસ્તારમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સચિવ કક્ષાએથી માહિતી માંગે તો સમયસર માહિતી મળે છે. બે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકો હાજર રહેતા નથી.
કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે બે શાળાની વાત કરી છે અને એમાં બે શિક્ષકો ગેરહાજર છે એમાં કાર્યવાહી કરી છે. બીજા શિક્ષકો આવતા નથી એ માટે રિયલ ટાઈમ મોનિટરીંગ કરીએ છીએ. આટલા મહેકમમાં 1 કે 2 ટકા શિક્ષકો ખોટી પ્રવૃત્તિ કરે એમાં તમામ શિક્ષકો બદનામ થાય છે. જે ગેરહાજર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જીતુ વાઘાણીને મેદાનમાં ઉતાર્યાઃ કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે તેની પરંપરા મુજબ જૂઠાણા ફેલાવવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ મીડિયામાં આવીને મીડિયા સમક્ષ પણ ખોટી વાત કરવાનો આરંભ કરી દીધો છે. ગૃહને ગેરમાર્ગે દોરવાની પરંપરા જાળવી રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યએ જે વાત કરી છે કે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની ઉદરિયા ગામની પ્રાથમિક શાળા એ ધોરણ 1 થી 5 ની શાળા છે. 31/ 7/ 2024 ની સ્થિતિએ વિદ્યાર્થીઓની સંખ્યા 63 છે જે નિયમ અનુસાર ત્રણ શિક્ષકો મળવા પાત્ર છે. તમામ જગ્યા ભરાયેલી છે પરંતુ એક શિક્ષકે રાજીનામું આપ્યું છે, એટલે એક જગ્યા ખાલી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નજીકની શાળાના બે શિક્ષકોને કામગીરી કરવા માટેના આદેશ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે શિક્ષકોની કામગીરીનું ફેરફારના ઓર્ડર સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. રાજીનામું જે શિક્ષકે આપ્યું છે, તેમની 89 હક્ક રજાઓ મંજૂર કરવામાં આવી છે. ધારાસભ્યએ સંકલનમાં આ પ્રશ્ન વારંવાર પૂછ્યો છે અને સંકલન સમિતિ દ્વારા ત્રણ વખત ધારાસભ્યને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે, છતાં પણ ગૃહમાં વારંવાર જૂઠું બોલે અધિકારીઓ મારું સાંભળતા નથી તેવું જણાવી રહ્યા છે અને કોંગ્રેસની જૂઠું બોલવાની ટેવાયેલ કોંગ્રેસના હાલ પણ ખરાબ કરીને જનતાએ જવાબ આપી દીધો છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા સહકારાત્મક રહ્યા છે. વહીવટી કામમાં તેમણે આદેશો કર્યા છે કે, ધારાસભ્યના પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવે અને તેમનું માન સન્માન પણ જણાવવું જરૂરી છે. મુખ્યમંત્રીએ ખૂબ જ હકારાત્મક ભાવના સાથે કામ કરી રહ્યા છે. આ સરકાર શિક્ષણનું ભલું કરવાની કે અન્ય ક્ષેત્રે વિકાસ કરવાની વાતમાં સકારાત્મક ટીકાઓને હંમેશા આવકારે છે. કોંગ્રેસના શાસનમાં ભૂતિયા શિક્ષકોને ભુતિયા શાળાઓ ચાલતી હતી. જેના કારણે કોંગ્રેસના શાસનમાં કેટલાય યુવાનોને શિક્ષણ મળી શક્યું નથી અને અભણ રહી ગયા છે. આ સરકારના શાસનમાં દેશમાં સૌથી સારી શૈક્ષણિક તૃટી અને સુધારવા માટે કામ કરી રહી છે.
તેમણે બીજુ શું કહ્યું? આજે ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓને ગુરુજનો દ્વારા પોતાના દીકરા દીકરી વિદ્યાર્થીઓને ગણીને ખૂબ જ ભાવ અને લાગણી તથા પૂરી નિષ્ઠાથી શિક્ષણ આપી રહ્યા છે. પરંતુ એક બે શિક્ષકોના કારણે સમાજનો ગુરૂજનો શિક્ષકો તરફ જોવાની ભાવના ન બદલાય, તેમનું માન - સન્માન પણ પૂરતું જળવાઈ રહે તેને પણ આ સરકારે લક્ષમાં રાખ્યું છે. સંવેદનાથી કામ કરનાર શિક્ષકોની કદર આ સરકારે કરી છે. આજે રાજ્યમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવીને માત્ર બાળકોની હાજરી નહીં કે શિક્ષકોની હાજરી નહીં પરંતુ ગુણાત્મક શિક્ષણની દિશામાં ખૂબ જ સુંદર કામ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
જીતુ વાઘાણી કોંગ્રેસ પર વરસી પડ્યાઃ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની જનતાએ સતત સાતમી વાર ભારતીય જનતા પાર્ટીના શાસનને સ્વીકાર્યું છે. કોંગ્રેસને કહેવું છે કે તેમણે દરિયાકાંઠા અને ન્યાયની અનેક યાત્રાઓ કરી છે અને તે નિષ્ફળ થઈ છે બાજુના રાજ્યમાંથી મુખ્યમંત્રી આવી કોંગ્રેસને ઠપકો આપે છે. કોંગ્રેસની યાત્રા રાજનીત અને વોટ માટેની છે. તેવું જનતા સારી રીતે જાણે છે, રાજ્યમાં નરેન્દ્ર મોદીથી લઈ ભુપેન્દ્ર પટેલ સુધીના શાસનમાં અનેક બદલાવો આવ્યા છે. રાજ્યએ સર્વાંગી વિકાસ કર્યો છે પરંતુ જ્યાં સુધી કોંગ્રેસ ઈટલીના ચશ્મા પહેરીને તમામ વાતને જોઇશે ત્યાં સુધી તેમને દરેક વાતમાં પીળું જ દેખાશે. પરંતુ તેમને આ સાચી વાત ત્યાં સુધી આપણી સંસ્કૃતિ ને સાથે વણાઈને નહીં જોયો ત્યાં સુધી તેમને કશું દેખાશે નહીં. કોંગ્રેસનું કામ લોકોને ભમરાવવાનું જ કામ છે આ ન્યાય યાત્રાઓ પ્રજાના હિત માટે નહીં પરંતુ વોટ માટે છે કોંગ્રેસ સંવેદના રહિત બની ગઈ છે.