નવસારી: રાજયની શ્રેષ્ઠ નવસારી-વિજલપોર પાલિકામાં સામાન્ય સભા યોજાઇ હતી. નવસારી-વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને ઉપપ્રમુખ સુનિલ પાટીલ તથા ચીફ ઓફિસર જે.યુ.વસાવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.
સામાન્ય સભા અભિનંદન સભા બની: નવસારી-વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભા અભિનંદન સભા બની હતી. કારણ કે, સભામાં 26 તારીખના રોજ પૂર્ણા નદીમાં આવેલા ભયાનક પુરમાં હજારો લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો. જ્યારે લોકોની લાખોની ઘરવખરીનો સામાન બરબાદ થયો હતો અને લોકો નિરાધાર બન્યા હતા. પરંતુ પૂર વખતે નગરસેવકો અને પાલિકા પ્રમુખ લોકોની વચ્ચે રહ્યાની વાતો સાથે નગરસેવકોએ આ મુદ્દે સામાન્ય સભામાં એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. જોકે પૂર અસરગ્રસ્તોની મદદે પહોંચવું એ પાલિકાના નગરસેવકોની નૈતિક ફરજ હોય છે.
એજન્ડાના 337 કામો ઉપર ચર્ચા કરવામાં ન આવી: બીજી તરફ સામાન્ય સભામાં એજન્ડાના 337 કામો ઉપર કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. પરંતુ પૂરમાં હાજર રહ્યા તેના નગરસેવકો એકબીજાને અભિનંદન પાઠવવામાં મશગુલ બન્યા હતા, જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મુદ્દે કોંગ્રેસી આગેવાન પિયુષ ઢિમ્મર એ જણાવ્યું હતું કે, 26 તારીખે આવેલ પૂર વખતે નવસારી માટે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી અને આ દુઃખની ઘડીમાં નગરસેવકો પાલિકા પ્રમુખે લોકોની પડખે ઊભા રહેવું તે તેઓની નૈતિક ફરજમાં આવે છે. પરંતુ નવસારી-વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામાં તેઓએ એજન્ડાના કામો પર કોઈ વિશેષ ચર્ચા કરી નથી. પૂર વખતે હાજર રહ્યા તેના તેઓ એકબીજાને અભિનંદન પાઠવતા હતા. જે ઘણી ગંભીર બાબત છે.
અંદાજીત રૂપિયા 30 કરોડના વિકાસલક્ષી કામો મંજૂર: નવસારી-વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને ઉપપ્રમુખ સુનિલ પાટીલ તથા ચીફ ઓફિસર જે.યુ. વસાવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. નવસારી પાલિકાના સભાખંડમાં નગર પાલીકાના વિવિધ કમીટીના અધ્યક્ષના વિવિધ એજન્ડાના કામોની કાર્યસુચિમાં દર્શાવ્યા છે. સામાન્ય સભામાં ઉપસ્થિત નગર સેવકોની મંજૂરીની મહોર મારતા સામાન્ય સભામાં 337 વિકાસલક્ષી કામો વિના વિધ્ન મંજૂર કરવામાં આવ્યાં હતા. અંદાજીત રૂપિયા 30 કરોડમાં ડ્રેનેજ, રોડ રસ્તા સહીત વિવિધ વિકાસ લક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે. જુદી જુદી ગ્રાન્ટો હેઠળ શહેરમાં વિકાસના કામો હાથ ધરનાર છે. નવસારી-વિજલપોર પાલિકામાં જોડાયેલ 8 ગામોમાં ડ્રેનેજ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.