ગાંધીનગર: હોળી-ધૂળેટીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનમાં જાય છે. પંચમહાલ, દાહોદ, ગોધરાનો સહિતના વિસ્તારોમાં જતા લોકોના સંખ્યા વધારે હોવાને પગલે તંત્રને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાની ફરજ પડે છે. છેલ્લા બે દિવસમાં 30 થી વધુ વધારાની બસ દોડાવવાની ફરજ પડી હતી. હોળી ધૂળેટીમાં 15 - 15 બસો વધારાની દોડાવવામાં આવશે.
પાટનગર ગાંધીનગરમાં નોકરી, વેપાર -ધંધા માટે અનેક જિલ્લામાંથી લોકો આવીને વસ્યા છે. રોજગાર માટે અન્ય જિલ્લાઓમાંથી આવીને વસેલા લોકો હોળી-ધૂળેટીના તહેવાર માટે ખાસ જ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર વિસ્તારના શ્રમિકો વતન જાય છે. ગાંધીનગર એસ.ટી.ડેપો મેનેજર એચ.પી. રાવલે જણાવ્યું કે, મુસાફરોના ટ્રાફિકને જોતા એસટી વિભાગને દર વર્ષે વધારાની બસ દોડાવવાની ફરજ પડે છે.
ગાંધીનગર ડેપોથી જ છેલ્લા બે દિવસમાં 30થી વધુ બસો વધારાની મુકાઈ હોવાનું જાણવા મળ્યું છે. જે અંતર્ગત 45 જેટલી બસો વધુ ચલાવવામાં આવે છે. જેમાં ઘણી બસો ગાંધીનગર ડેપોથી સીધી પંચમહાલ-દાહોદ તરફ જ્યારે ઘણી બસનો અમદાવાદ થઈને દોડાવવામાં આવી હોવાની વિગતો છે. એસટી તંત્ર દ્વારા ૨૦ માર્ચથી વધારાની બસો મુકવાની શરૂઆત કરવામાં આવી હતી. જે ૨૫ માર્ચે સુધી ચાલશે.