રાજકોટ: હાલ પુનઃ વરસાદ શરૂ થયો છે. અને શહેરના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે. ત્યારે ઉપલેટા તેમજ ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર પડેલા ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાય ચૂક્યા છે. અને ઘણા નદીનાળાઓ છલકાઈ ચૂક્યા છે અને ખેડૂતોના ઉભા મોલને નુકસાની થવાની પણ વીતી છવાઈ રહી છે. પરંતુ આ બધી પરિસ્થિતિ ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરિયા બાદ જ સામે આવી શકે છે કે કેટલી નુકસાની છે અને કેટલું ધોવાણ થયેલ છે.
મોટી મારડ ગામના અનેક ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં હાલ પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. અને તેમનો ઉભો મોલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યારે અવિરત પડેલા વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થશે. તેવી પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. અવિરત પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાનને લઈને કુદરત સામે ખેડૂતો લાચાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલાની અંદર સરકારે નુકસાની અંગેનો સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય આપવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.