ભાવનગર: ગુજરાત સરકાર દ્વારા કેલેન્ડર વર્ષમાં શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોએ પોતાની મિલકત અને આવકની જાણ સરકારને કરવાની રહેશે. આ માટે ડિકલેરેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જે દરેક વર્ષના અંતે ભરવું જરૂરી રહેશે. જો કે, વર્ષના અંતે અપડેટ હોય તો પણ જે તે શિક્ષકોએ જણાવવું પડશે જો કે, આ મુદ્દે રાજ્યના શિક્ષક સંઘ અને ભાવનગરના શિક્ષક સંઘ દ્વારા પોતાના મત વ્યક્ત કર્યા હતા.
રાજ્ય શિક્ષક સંઘ દ્વારા સરકારના નિર્ણયનો જવાબ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો માટે એક ડિકલેરેશન ફોર્મ પોતાની મિલકત અને આવકને પગલે રજૂ કર્યું છે. જે તમામ શિક્ષકોએ ભરવાનું રહેશે. કેલેન્ડર વર્ષમાં જેનો સમાવેશ થયો છે તે ડિકલેરેશન ફોર્મમાં જોઈએ. ત્યારે મિલકત જ્યાં આવેલી હોય તો તે જિલ્લા, પેટા વિભાગ, તાલુકા અને ગામનું નામ, જેતે મિલકતનું નામ અને તેની વિગતો, ઘર અને બીજા બિલ્ડીંગો અને જમીન અને તેની હાલની કિંમત દર્શાવવાની રહેશે. મિલ્કત પોતાના નામે ન હોય તો કોના નામે છે અને તેનો સરકારી કર્મચારી સાથેનો સંબંધ બધુ જ દર્શાવવાનું રહેશે. જો કે આ ફોર્મમાં મિલકત કઈ રીતે પ્રાપ્ત કરી, ખરીદી કરીને, પેટેથી કે ગીરવે રાખીને અને વારસામાં અથવા અન્ય કોઈ રીતે પ્રાપ્ત કરેલી મિલ્કતોની તારીખ અને જેની પાસેથી પ્રાપ્ત કરી હોય તેનું નામ અને તેની વિગતો, વાર્ષિક આવક વગેરે દર્શાવવાનું રહેશે.
રાજ્ય શિક્ષક સંઘે સરકારનો નિર્ણય અંગે શું કહ્યું: ETV BHARATએ ટેલીફોનિક રીતે રાજ્યના શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાથે વાતચીત કરી હતી. ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મિલકતનું ડિક્લેરેશન ફક્ત શિક્ષકોનું એકનું નથી. રાજ્યના તમામ વિભાગના કર્મચારીનું છે. જોકે હાલ સુધી રાજ્ય કક્ષાએ શિક્ષક સંઘે કોઈ નિર્ણય કર્યો નથી કે, સરકારે લીધેલા નિર્ણયને તેઓ સ્વીકારવાના છે કે નહી.સેલ્ફ ડિક્લેરેશન મુદ્દે સ્વીકારવાની જે બાબત અંગે આગામી દિવસોમાં બેઠક થયા બાદ નિર્ણય થઈ શકે છે તેવું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા શિક્ષક સંઘનો મત: મહાનગરપાલિકા શિક્ષક સંઘ પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના આપણા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કોઈપણ જગ્યાએ ક્યારેય આપણી મિલકત છે તેને જાહેર કરવાનો મુદ્દો નહોતો. પણ થોડા સમય પહેલા જ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને શિક્ષકોને પણ પોતાની મિલકત જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે, શિક્ષકની આવક ફિક્સ છે. બીજા અન્ય સરકારી કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કરીને મિલ્કત ભેગી કરી હોય કે પોતાની મિલકત કરતા વધારે મિલકત ખરીદી હોય એમને મુદ્દો લાગુ પડે છે. ત્યારે શિક્ષક માટે એવી કોઈ ભ્રષ્ટાચારવાળી કોઈ વાત લાગું પડતી નથી.અથવા કોઈ પણ પ્રકારની એમની પાસે બીજી આવક હોતી નથી.
શિક્ષણ સંઘ આ બાબતે મુખ્યમંત્રીને કરશે રજૂઆત: સંઘ પ્રમુખે કહ્યું કે, અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન થાય તેઓ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. એ અમારા ઉપલા જે મોટા સંઘો છે રાજ્ય પ્રાથમિક, રાજ્ય શિક્ષક સંઘ પછી અમારો નગર પ્રાથમિક શિક્ષક સંઘ એની સાથે પરામર્શ કરીને આ બાબતે યોગ્ય રજૂઆત અમે શિક્ષણ વિભાગમાં અને મુખ્યમંત્રીને કરવાના છીએ. આનાથી વિશેષ હું માનું છું ત્યાં સુધી રાજ્યના તમામ શિક્ષકો પાસે 98 ટકાથી, વિશેષ કોઈ વસ્તુ હોઈ શકે નહીં એવું મારું માનવું છે.