સુરેન્દ્રનગર: અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો, સંચાલકો અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. લોકોને કેમ્પ દ્વારા હોસ્પિટલ ખાતે બોલાવી સરકારી રૂપિયા પડાવવાના હેતુથી એન્જીયોપ્લાસ્ટી કરાતી હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ કડી તાલુકાના બોરીસાણા ગામના બે વ્યકિતના મોત નીપજયા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. હવે પાટડીના બજાણા ગામે રહેતા એક વૃદ્ધનું પણ થોડા દિવસો પહેલા મોત નિપજતા પરિવારજનો દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિ બાદ તબિયત લથડી
પાટડીના બજાણા ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી કડી તાલુકાના વિનાયકપુરા ગામે સ્થાયી થયેલ 70 વર્ષના ગણપતભાઈ વાળંદે ગત 4 ઓકટોબરના રોજ વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં કેમ્પમાં લોકોને ડોક્ટરોએ વધુ તપાસ માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવવાનું જણાવતા ગણપતભાઈ પત્ની તેમજ PMJY કાર્ડ સાથે ત્યાં તપાસ અને સારવાર માટે ગયા હતા.
ખ્યાતિ હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ
જ્યાં વધુ તપાસ બાદ ફરજ પરના ડોક્ટરોએ ગણપતભાઇને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું અને તેમનું એન્જીયોપ્લાસ્ટીનું ઓપરેશન કર્યું હતું. પરંતુ ઓપરેશન કરાવ્યા બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તપાસ કરતા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ગણપતભાઈનું અયોગ્ય રીતે સારવાર અને ઓપરેશન કર્યું હોવાનું જણાવતા આ મામલે ખ્યાતિ હોસ્પિટલના ડોકટરો સામે બેદરકારી અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
11 દિવસની સારવાર બાદ મોત
11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મોત નિપજ્યું હતું. ત્યારે આ મામલે મૃતકના પત્ની, જમાઈ અને પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોકટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: