સુરત: પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સીટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જે દરમ્યાન સુરત પોલીસને વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડાર્ક વેબ મારફતે LSD ડ્રગ્સ વિદેશથી મંગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાઈબ્રીડ ગાંજાના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે.
ડાર્ક વેબ મારફતે આરોપી ડ્રગ્સ મંગાવતો: સુરત SOG અને PCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ કેતનકુમાર મંદિરવાલા ડાર્કવેબ નામની ઓનલાઈન વેબસાઈટ ઉપરથી બેંગકોક ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મંગાવી તેનુ વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે પોલીસની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો.
પોલીસે ગાંજો અને ડ્રગ્સ કર્ય કબ્જે: પોલીસે ઘરમાં તપાસ કરતા મકાનમાં સંતાડી રાખેલ હાઈબ્રીડ ગાંજો વજન 21.850 ગ્રામ જેની કિમત રૂ.,65,460 તથા LSD ડ્રગ્સ બ્લોટર પેપર નંગ-9 જેની કિમત રૂ 42,50,000 મળીને કુલ રૂ.,43,45,460 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસની રેડ દરમ્યાન પાર્થ કેતનકુમાર મંદિરવાલા ઘરે ન હતો. સુરત શહેરમાં પ્રથમ વખત SOG દ્વારા LSD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં આવો કેસ સામે આવ્યો: બનાવ અંગે માહિતી આપતા DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, અમુક પેડલરો સોશિયલ મીડિયા તથા ડાર્કવેબનો ઉપયોગ કરીને LSD ડ્રગ્સ તથા હાઈબ્રીડ ગાંજો વેચવાની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. આરોપીઓ પર 4 મહિનાથી વોચ રાખવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં પણ આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો જેમાં બેંકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા હતા જેથી સુરતમાં પણ પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડીને મુદ્દામાલ કબ્જે કરાયો હતો
આરોપી બેંકોકથી ડ્રગ્સ મંગાવતો હતો: DCP એ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે. પાર્થ મંદિરવાલા હીરા દલાલી કરે છે. અમને માહિતી મળી છે કે, તે બેંકોકથી ડાર્કવેબ પર LSD ડ્રગ્સના ઓર્ડર આપીને પાર્સલ મંગાવતો હતો અને બાદમાં સોશિયલ મીડિયાની અંદર એક્ટીવ રહીને કોઈને હાઈબ્રીડ ગાંજો કે LSDની જરૂર હોય તેઓને આપતો હતો. તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે. અમે તેના ઘરે રેડ કરી ત્યારે આરોપી પાર્થ પકડાયા બાદ અગાઉ તેણે કેટલી વખત મંગાવ્યું અને ક્યાં સપ્લાય કરતો હતો તેની માહિતી સામે આવી શકશે. તેના પરિવારની પૂછપરછ કરી ત્યારે તેના પરિવારને કદાચ આ અંગે જાણ નહોતી.