સુરત : મિલકતના કારણે પારિવારિક ઝઘડાના અનેક બનાવો બનતા હોય છે પરંતુ સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં મિલકતના ઝગડામાં એક વિચિત્ર ઘટના જોવા મળી. વિધવા ભાભીએ પોતાના દિયરના ખેતરમાં પકવેલી શેરડીને સળગાવી દીધી હતી. તો બીજી બાજુ ભાભી દ્વારા કરવામાં આવી રહેલ આ કૃત્યને દિયર અને તેના પુત્રએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ છે. પોલીસે ભાભી અને તેની ભત્રીજીની ધરપકડ કરી છે.
મૃત ભાઈ સાથે પહેલાં જ છૂટાછેડા થયેલા છે : સુરતના વરિયાવ વિસ્તારમાં ખેડૂત પ્રવીણભાઈ પટેલ દ્વારા મામલાને લઇને પોતાની વિધવા ભાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ ફરિયાદમાં પ્રવીણભાઈએ જણાવ્યું છે કે તેઓ વરિયાના કંટાળા ફળિયામાં વર્ષોથી રહે છે અને વડીલોપાર્જિત સાત વીઘા જમીનમાં તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર ભાઈ અને ત્રણ બહેન છે. ચાર ભાઈઓ પૈકી એક ભાઈ અર્જુન મૃત્યુ પામી ચૂક્યા છે અને મૃત્યુ પહેલા તેમની પત્ની સાથે તેઓના છુટાછેડા થયા હતા.
સિવિલ કોર્ટમાં ફરિયાદ પણ થઈ તેઓએ ફરિયાદમાં લખાવ્યું છે કે જ્યારે આ સાત વીઘા જમીનના હિસ્સાની વહેચણી તેઓની દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે તમામ ભાઈઓ આ જમીનમાંથી ત્રણ બહેનોને હિસ્સા આપવા માંગતા હતાં. પરંતુ અર્જુનની પૂર્વ પત્ની અને તેમની પુત્રીએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને પોતે પણ જમીનમાં હિસ્સાની માંગણી કરી હતી. સાથે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. વર્ષ 2016 માં તેઓએ સુરતની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જે હાલ કેસ ચાલી રહ્યો છે.
શેરડી સળગાવતો વિડીયો બનાવ્યો પ્રવીણભાઈએ આ સાત વીઘા જમીનમાં શેરડીના પાકનું વાવેતર કર્યું. તેમની વિધવા ભાભી જ્યોતિએ સરકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડમાં દાવો કરતા આ શેરડીની કાપણી થઈ શકી નહોતી. ખેડૂત પ્રવીણભાઈ 17મી એપ્રિલના રોજ ઘરે હતાં ત્યારે અચાનક જ તેમને દોઢ કિલોમીટર દૂરથી જ આગનો ધુમાડો પોતાના ખેતરમાંથી નીકળતા જોયો. તેઓ તાત્કાલિક પોતાના ખેતર તરફ દોડી ગયા હતા જ્યાં તેઓએ જોયું હતું કે તેમની ભાભી જ્યોતિબેન અને તેમની પુત્રી બંને શેરડીના ખેતરમાં આગ લગાવી રહ્યા છે. તેઓએ તરત જ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરી હતી.
માતાપુત્રીની ધરપકડ : જાગીરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી.ડી.પરમારના જણાવ્યા મુજબ આ ઘટના અંગે ખેડૂત પ્રવીણભાઈએ અરજી કરી હતી અને સાથે વિડીયો પણ રજૂ કર્યો હતો. જેણે જોઈ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરી હતી. આગ લગાવનાર મહિલા જ્યોતિ તેમજ તેમની પુત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આશરે પાંચ લાખ રૂપિયાની કિંમતનો શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો. જાગીરપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.