સુરત : સુરતમાં યુવકને ચાલુ ગાડીએ બોનેટ પર બેસીને સવારી કરવી ભારે પડી છે, આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે લોકોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. જે વિડીયો વાયરલ થયો હતો તેમાં એક યુવક બ્રિજ પર ચાલુ ગાડી પર બોનેટ પર બેઠો હતો અને કોઈ વ્યક્તિ તેનો વિડીઓ ઉતારવા જતા તે તાત્કાલિક ડ્રાઈવર કેબીનમાં જતો રહ્યો હતો.
બોનેટ પર બેસીને સ્ટંટ કરનાર પોલીસની પકડમાં : આજના સમયમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો રીલ્સ અને શોર્ટ વિડીયો બનાવતા હોય છે અને તેના માટે તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સુરત શહેરમાં અગાઉ આવા અનેક વિડીયો વાયરલ થયા હતા. જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વધુ એક વિડીયો સુરતમાં વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ગાડીના બોનેટ પર બેસીને સ્ટંટ કરનાર આરોપીની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગતો નજરે આવ્યાં હતાં.
તાત્કાલિક ડ્રાઈવર કેબીનમાં જતો રહ્યો : સુરતના ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રીજ પરનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં એક યુવક જોખમી રીતે ગાડીના બોનેટ પર બેઠો હતો. પરંતુ કોઈ વ્યક્તિ તેનો વિડીયો ઉતારવા જતા તે તાત્કાલિક ડ્રાઈવર કેબીનમાં જતો રહ્યો હતો આ વિડીયો વાયરલ થયા બાદ ડીંડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ વિડીયો ગત તા.15/05/2024ના સાંજના સાતેક વાગ્યાના અરસાનો ડીંડોલી પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ખાતેનો હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે 27 વર્ષીય મુકેશ સંજય બુવા અને 20 વર્ષીય નૌસાદ નઇમખાન આલમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું : આ સમગ્ર મામલે ડીસીબી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, લોકોએ આ પ્રકારના સ્ટંટ ના કરવા જોઈએ. કારણ કે થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારે પડી શકે તેમ હોય છે. હાલ પોલીસે આ બનાવમાં બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવતા બંને લોકોએ કાન પકડીને માંફી પણ માંગી હતી.