સુરત: સુંદર સાડી પહેરીને 65 વર્ષીય નિવૃત્ત મહિલા શિક્ષિકા અંજના અંતાણી જ્યારે ચેસ્ટ ટૂર્નામેન્ટમાં આવે છે, ત્યારે દરેકને એમ લાગે છે કે તેઓ સુપરવાઈઝર કે જજ તરીકે હાજરી આપવા આવ્યા હશે. જો કે તેઓ ચેસ ટેબલ પર ગોઠવાય ત્યારે સહુ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ રાજ્યના સૌથી સિનિયર ચેસ પ્લેયર હોવા છતાં તમામ યુવાઓને ચેસમાં ચેક મેટ આપી રહ્યાં છે. તાજેતરમાં તેઓએ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં વિજયી થયા છે અને ટૂંક સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે.
રીટાયર્ડ લાઈફમાં સિદ્ધિ મેળવીઃ 65 વર્ષીય રીટાયર્ડ પી.ટી. ટીચર અંજના અંતાણીએ રીટાયર્ડ લાઈફમાં સિદ્ધિ હાંસલ કરી છે. જે ઉંમરમાં લોકો ઘરે બેસીને રીટાયર્ડ લાઈફ એન્જ્યો કરતા હોય છે ત્યારે આ ઉંમરે અંજના અંતાણીએ ચેસ રમતમાં સિદ્ધિઓ સર કરી છે. સરકારી શાળામાં પીટી ટીચર તરીકે ફરજ નિભાવતા હતા. વિદ્યાર્થીઓને સ્વસ્થ રહેવા માટે અનેક એક્સરસાઇઝ સહિત રમતો શીખડાવી પરંતુ તેઓએ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તેમના જ વિદ્યાર્થીઓ દ્વારા તેમને ચેસ રમવા માટેની પ્રેરણા મળશે અને તેના જ કારણે તેઓ રાજ્ય સ્તરના સ્પર્ધામાં ભાગ લેશે.
ધૃજતા હાથે ચેસ રમે છેઃ ચેસ રમતી વખતે અંજનાબેનનો હાથ ભલે ધ્રુજતું હોય પરંતુ મગજમાં સામેવાળા પ્લેયરને કઈ રીતે ચેક મેટ કરવો તેના પર કામગીરી કરતું હોય છે. ચેસના તમામ પાસાઓથી તેઓ સામેવાળા પ્લેયરને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે. તેમના આ કૌશલ્યને પરિણામે જ તેઓ જિલ્લામાં યોજાયેલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં વિજયી થયા હતા. આ ઉંમરમાં ચેસ પ્રત્યે આવી રુચિ તેમને 5 વર્ષ અગાઉ જન્મી હતી. તેમના જ વિદ્યાર્થીઓ જ્યારે ચેસ રમતા હતા ત્યારે તેમને જોઈને ચેસ રમવાની ઈચ્છા થઈ અને તેમણે ચેસ શીખવાનું શરુ કર્યુ. ચેસ વિશે કેટલાક પાસાઓ તેમણે સોશિયલ મીડિયા અને પુસ્તકોમાં જાણ્યા.
જ્યારે મને વિદ્યાર્થીઓએ કહ્યું કે, તમે પણ ચેસ રમો ત્યારે મને ચેસ પ્રત્યે રુચિ થઈ. પહેલા હું વિદ્યાર્થીઓ પાસેથી ચેસ શીખી. એક આઠવડિયા સુધી ક્લાસ પણ ગઈ પરંતુ મને ક્લાસ દૂર હોવાને લીધે તકલીફ થતી. મેં સોશિયલ મીડિયા, યુ ટ્યૂબ અને કેટલાક પુસ્તકોમાંથી કઈ રીતે ચેસ રમી શકાય તે અંગેની જાણકારી મેળવી. હું દરરોજ પ્રેક્ટિસ કરતી હતી મારી સોસાયટીમાં રહેતા કેટલાક બાળકો પણ મારી સાથે આવીને ચેસ રમતા હતા. તેમની પાસેથી હું અને ક્યારે હું તેમને ચેસ શીખડાવતી હતી. ચેસ રમતી વખતે મારું હાથ ધ્રૂજે પરંતુ દિમાગમાં કઈ રીતે આ સ્પર્ધા જીતવી છે તે સતત ચાલે છે. 2 વખત દુર્ઘટનામાં મારા શરીરને નુકસાન થયું હતું. આ જ કારણ છે કે શરીરના કેટલાક અંગ મા સતત કંપન થાય છે પરંતુ તેમને નજર અંદાજ કરી હું સતત સ્પર્ધા ધ્યાન આપું છું...અંજનાબેન અંતાણી(ચેસ પ્લેયર, સુરત)