કરન ઠક્કર.કચ્છઃ પોતાનો ધંધો હોય, પોતાની મહેનતની આવક પણ પોતાની હોય તેવું આજે કોણ નથી ઈચ્છતું. ધંધો કરવા માટે સહુ વિચારે કે મોટી મૂળી જોઈએ પણ તેના કરતા વધારે એક આઈડિયા અથવા ધંધો કરવાનું જનુન જોઈએ. અલગ આઈડિયા ના હોય તો પણ ધંધો કરવો જ છે તેવા વિચાર સાથે આગળ વધનારા એવા ઘણા ઉદાહરણ છે કે જેમણે પોતાની મહેનત પર શંકા કર્યા વગર ધંધો કરી પોતે ધારી હોય તેવી સફળતા પણ મેળવી છે. આજે કચ્છના એવા વ્યક્તિની આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પોતાની દિવ્યાંગતાને ક્યાંય પણ મજબૂરીની જેમ વાપર્યા કરતા પોતાની જાત પર ભરોસો કરી ધંધો શરૂ કર્યો અને આજે તેઓ સફળતાની સીડીઓ ધીમે ધીમે ચઢીને રોજનું 25-30 હજારનું ટર્નઓવર કરે છે. તમને જાણીને નવાઈ ત્યારે લાગશે જ્યારે તમે તેમના મૂળી રોકાણનો આંકડો જાણશો.
બાળપણમાં પોલિયાના કારણે 80 ટકા વિકલાંગ બની ગયેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા બળદિયાના ગોવિંદભાઇ કેરાઇ આજે પોતાની સુઝબુઝ તથા સરકારી મદદ સાથે સફળ ઉદ્યોગકાર બનીને અન્ય જરૂરિયાતમંદોને રોજગારી આપી રહ્યા છે. તે દરરોજનું 25 થી 30 હજારનું ટર્નઓવર કરી રહ્યા છે.
ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને આપે છે રોજગારી
50 વર્ષીય ગોંવિદભાઇએ બીએ વીથ ઇંગ્લિશનો અભ્યાસ કર્યો છે. નાનપણથી બંને પગ વિકલાંગતાનો ભોગ બનતા તેઓ વ્હીલચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી. આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાનથી પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે. એક કદમ આગળ વધીને ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપીને ચાર પરિવારનું પણ પાલનપોષણ કરવા સક્ષમ બન્યા છે. ગોવિંદભાઈને સંતાનમાં બે દીકરીઓ છે.

નાનું મૂડીરોકાણ, ધંધામાં નિષ્ફળતા પણ જોઈ
અગાઉ ગોવિંદભાઈ એસટીડી-પીસીઓ ચલાવતા હતા. બાદમાં એક નાની રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી પરંતુ વિકલાંગતાના કારણે સંચાલનમાં સમસ્યા આવતી હતી. જેથી વર્ષ 2018માં તે બંધ કરીને અંતે 4000ની મૂડીનું રોકાણ કરીને ખારીસીંગ, દાળીયા હોલસેલ ભાવે મેળવીને ઘરે નાનકડા પેકીંગ બનાવીને દુકાન, કેબીન સુધી પહોંચાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો. આ સમયે 2000નો માલ ખરીદ્યો હતો, તો 1500 રૂપિયાની કિંમતનું મશીન અને 500 રૂપિયાની પેકીંગ માટે પ્લાસ્ટીકની ખરીદી કરી નવા વ્યવસાયના શ્રીગણેશ કર્યા હતા.

નાના બાળકો માટેની શરબતની ચુસ્કીનું જાતે મેન્યુફેક્ચરીંગ
ગોવિંદભાઈના પત્ની ઘરે પેકેજીંગ કરે છે અને તેઓ રિક્ષા ચલાવીને ગામે ગામે દુકાને માલની માર્કેટિંગ અને ફેરી કરીને માલ પહોંચાડે છે. આ કામમાં તેમને ધીરે ધીરે આવક થવા લાગતા નાના બાળકો માટેની શરબતની ચુસ્કીનું જાતે મેન્યુફેક્ચરીંગ કરવાનું વિચાર્યું. આ માટેની મશીનરી ખરીદવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે સરકારની યોજનાનો લાભ મેળવી લોન મેળવી આ કામગીરી પણ શરૂઆત કરી હતી. જેમાં સફળતા મળતા હાલ તેઓ 3 લોકોને રોજગારી આપે છે.

બે મહિલાઓ અને એક ડિલિવરી બોયને આપે છે રોજગારી
હાલમાં ગોવિંદભાઈ બે જરૂરિયાતમંદ મહિલાને માસિક 10,000 પગાર સાથે રોજગારી આપી રહ્યા છે. તેઓ પેકેજીંગ અને મેન્યુફેક્ચરીંગ કામ સાથે જોડાયેલી છે. ઉપરાંત ગોવિંદભાઈ વિકલાંગ હોવાથી ટેમ્પોનું ડ્રાઇવીંગ તો કરી શકે છે પરંતુ દુકાન સુધી માલ આપવા જઇ શકતા ના હોવાથી 8000ના પગારે એક ડીલીવરી બોયને નોકરી પર પણ તેમણે રાખ્યો છે.

સરકારની મદદ થકી સફળતા મળી
આમ, નાનકડી મૂડીના રોકાણ સાથે શરૂ કરેલા વ્યવસાયમાં સરકારની મદદ થકી સફળતા મળતા ગોવિંદભાઈ આજે આત્મનિર્ભર બની શક્યા છે. હાલ, ગોવિંદભાઈ પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવાની સક્ષમતા સાથે અન્ય ત્રણ પરિવારનો નિભાવ કરવા પણ સક્ષમ બન્યા છે. પોતાના ઉદ્યોગ વિશે વાત કરતા કરતા તેઓ જણાવે છે કે, વિકલાંગતા હોવા છતાં તેમનો જુસ્સો અને કામ કરવાની ધગશના કારણે તેઓ મહિનામાં 27 દિવસ માલની ડિલીવરી માટે જાતે ટેમ્પો લઈને પશ્ચિમ કચ્છમાં ફેરી કરે છે.

દરરોજ 25000થી 30000નું ટર્નઓવર
ગોવિંદભાઈ દરરોજ 200 કિલોમીટર જેટલું ડ્રાઇવિંગ કરીને સવારથી સાંજ સુધીમાં કુલ 90 જેટલી નાની મોટી દુકાનમાં માલ પહોંચાડે છે અને દરરોજ 25000થી 30000નું ટર્નઓવર આરામથી કરી લે છે. આ સાથે નવા કસ્ટમર બનાવવા, કાચો માલ ખરીદી ઘરે પુરો પાડવો વગેરે કામ પણ તેઓ જાતે જ સંભાળે છે. જ્યારે તેમના પત્ની મંજુલાબેન કેરાઇ પેકેજીંગ અને મેન્યુફેકચરીંગની કામગીરી સંભાળે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરાયેલી છે, ત્યારે દિવ્યાંગો તેનો લાભ લે અને પોતાના સ્કીલ, અભ્યાસનો ઉપયોગ કરી ખુદ તો સ્વનિર્ભર બને સાથે અન્યો માટે પણ રોજગારીનું સર્જન કરે તે જરૂરી છે. - ગોવિંદભાઈ