ગાંધીનગર : "ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" ના ગુજરાત સરકારના દાવાથી વિપરીત સ્થિતિ સામે આવી છે. ગત વર્ષની સ્કોલરશીપ હજી સુધી કેટલાક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થઈ નથી. તેથી વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં સચિવાલય ખાતે સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. ઓનલાઈન વેરિફિકેશનનું કારણ વિદ્યાર્થીઓ આગળ ધરવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓના નામ રેશનીંગ કાર્ડમાં ન હોવાને કારણે તેમને સ્કોલરશીપ ન મળતી હોવાનું ખુદ શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું છે.
એક વર્ષથી સ્કોલરશીપ બાકી : વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજ્યના અનેક વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશીપ મળી નથી. ગત વર્ષે સ્કોલરશીપના ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા હોવા છતાં હજુ સુધી તેની રકમ વિદ્યાર્થીઓને મળી નથી. તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. અહીં તેમણે સંબંધિત સચિવને મળીને રજૂઆત કરી હતી.
સ્કોલરશીપ જમા ન થવાનું કારણ શું ? દહેગામથી આવેલા વિદ્યાર્થી નેતા ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમે સ્કોલરશીપની રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા છીએ. ગત વર્ષે ફોર્મ ભર્યા હોવા છતાં હજી વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપના પૈસા જમા થયા નથી. અહીં રજૂઆત કરી છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. સમાજ કલ્યાણ વિભાગમાંથી જવાબ આવ્યો કે, કેટલીક જગ્યાએ ગ્રાન્ટ નથી આવી, તો ક્યાંક બેંક ખાતા લિંક નથી થયા. આવા કારણો હેઠળ સ્કોલરશીપ જમા થઈ નથી કહીને વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવતા. આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવાનું વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું.
સરકારનો નવો નિયમ જાણી લો : જોકે, સ્કોલરશીપ જમા ન થવાનું મુખ્ય કારણ સરકારનો નવો નિયમ છે. જે અનુસાર વિદ્યાર્થીનું નામ રેશનકાર્ડમાં દાખલ હોવું જોઈએ. આ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે, શિક્ષણ વિભાગે બાળકોનું નામ રેશનકાર્ડમાં દાખલ કરવા માટે અનેકવાર સૂચનાઓ આપી છે. રેશનીંગ કાર્ડમાં બાળકનું નામ દાખલ કરવાની જવાબદારી માતા-પિતા અને વાલીની હોય છે. સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
રેશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ : વિદ્યાર્થીઓના સ્કોલરશીપના પૈસા સીધા બેંક ખાતામાં જમા થાય છે. જો 70 ટકાથી વધુ હાજરી હોય તો દીકરીઓને અનાજ પણ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજનાનો લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે રેશનકાર્ડમાં બાળકનું નામ હોવું ફરજીયાત છે. બાળકને ભવિષ્યમાં તમામ સરકારી લાભ મળી રહે તે માટે તેનું નામ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવાનું હોય છે. એકવાર બાળકનું નામ રેશનકાર્ડમાં દાખલ થાય તો તેના પરિવારને અન્ય લાભો પણ મળવાના છે. તેથી અમે વાલીઓને નમ્ર અપીલ કરીએ છીએ કે, તેમના બાળકનું નામ તાત્કાલિક રેશનકાર્ડમાં નોંધાવે.
વાલીઓ જોગ અપીલ : સ્કોલરશીપમાં કેટલાક સ્થળોએ અગવડતા પડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેટલાક સ્થળોએ સ્ટાફની કમી છે. તો કેટલાક સ્થળોએ વાલીઓમાં જાગૃતિ ઓછી છે. કેટલાક વાલીઓ પાસે રેશનકાર્ડ પણ નથી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશીપ મળી રહે તે માટે જરૂરી પગલાં લેવાનું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આશ્વાસન આપ્યું છે.