ગીર સોમનાથ : સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ ભૂતકાળમાં બની ચૂક્યા છે. આ જ પ્રકારે ઓનલાઇન દર્શન અને અન્ય સુવિધા માટે સોમનાથ આવતા શિવભક્તો સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે તમામ દર્શનાર્થીઓ સાવચેતીપૂર્વક ઓનલાઈન વ્યવહાર કરે તેવી માર્ગદર્શિકા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
શિવભક્તો રહેજો સાવચેત : વેકેશનના સમયમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી શિવભક્તોનું ઘોડાપૂર સોમનાથ તરફ આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં આવતા પ્રત્યેક શિવભક્તને ઓનલાઈન માધ્યમથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતા પૂર્વે ખૂબ જ સાવચેતી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઇન છેતરપિંડી : ભૂતકાળમાં સોમનાથમાં વિવિધ સુવિધાઓ મેળવવા માટે ઓનલાઇન માધ્યમથી રજીસ્ટર કરાવેલ 250 કરતા વધારે ભાવિકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ તમામ લોકોની ફરિયાદને આધારે સોમનાથ ટ્રસ્ટે સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે. આવી પરિસ્થિતિમાં સોમનાથ આવતા પ્રત્યેક શિવભક્તને ઓનલાઈન વ્યવહાર કરતા પૂર્વે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ તેવો અનુરોધ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટની રજીસ્ટર વેબસાઈટ : સોમનાથ મંદિરે દર્શન માટે આવતા શિવ ભક્તો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટની એકમાત્ર રજીસ્ટર વેબસાઈટ Somnath.org પર રજીસ્ટર કરવું, આ સિવાય કોઈપણ વેબસાઈટ કે અન્ય ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ટ્રસ્ટ કોઈ પણ પ્રકારનું રજીસ્ટર કરતું નથી. સોમનાથમાં રહેવા જમવાની સાથે મંદિરમાં વિશેષ પૂજા અને ઓનલાઇન માધ્યમથી જે સેવાઓ મંદિર ટ્રસ્ટ આપી રહ્યું છે, તે અન્ય ભળતાં નામથી પ્રત્યેક શિવભક્તોએ સાવચેત રહેવું જોઈએ.
છેતરપિંડીથી કેવી રીતે બચશો ? સોમનાથ ટ્રસ્ટ કોઈ પણ પ્રકારે ટેલીફોન ક્યુઆર કોડ, સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેય પણ કોઈપણ સુવિધા રજીસ્ટર કરતું નથી. પ્રત્યેક શિવભક્તોએ સોમનાથ મંદિર ટ્રસ્ટની એકમાત્ર રજીસ્ટર વેબસાઈટ પર જ રજીસ્ટર કરવું, જેથી સંભવિત છેતરપિંડીથી બચી શકાય. અગાઉ 250 જેટલા કિસ્સામાં શિવભક્તો ઓનલાઇન માધ્યમથી છેતરાયા હોવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. વેકેશનના સમયમાં પ્રત્યેક શિવભક્ત ઓનલાઈન માધ્યમથી રજીસ્ટર કરતા પૂર્વે કેટલીક સાવચેતી રાખીને છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે છે.