જૂનાગઢ: ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધી ગૌચર સરકારી જમીન અને જાહેર માર્ગના દબાણ મળીને કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. જેની અંદાજિત 247 કરોડની કિંમત આંકવામાં આવી છે. આગળના દિવસોમાં બાકી રહેતી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારના નિયમ અનુસાર ગૌચર કે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરવા જઈ રહ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા દબાણ કરતાં લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
ગૌચરની જમીન ખુલ્લી કરાવતું સોમનાથ વહીવટી તંત્ર: સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાછલા એકાદ મહિનાથી જિલ્લામાં ગૌચર સરકારી ખરાબાની જમીન કે જે વિસ્તારમાંથી માર્ગ નીકળતો હોય આવી શ્રી સરકાર હસ્તકની જમીનો પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યુ હતુ. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. જેની આજના દિવસે બજાર કિંમત 247 કરોડ કરતાં વધુની થવા જાય છે.
જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ જ પ્રકારે અન્ય ગ્રામ પંચાયતોમાં પણ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવેલી જમીનો પૈકી 13.21 લાખ ચોરસ મીટર જમીન ગૌચરની સામે આવી હતી જેની બજાર કિંમત 107 કરોડ રૂપિયા થવા જાય છે તો બીજી તરફ સરકારી અને ખરાબાની જમીન કે જેનો વિસ્તાર 2.68 લાખ ચોરસ મીટર થવા જાય છે જેની બજાર કિંમત 140 કરોડ રૂપિયા છે.
આ તમામ સરકારી જમીનોને ખુલ્લી કરીને ગૌચરમાં પશુધન ચરી શકે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી અહીં દબાણકારો દ્વારા દબાણ કરીને તેમના આર્થિક લાભ માટે ખેતી થતી હોવાનો પણ જિલ્લા વહીવટી તંત્રની નજરમાં આવ્યું હતું. ત્યાર બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દેવડી ગામમાં 50 વીઘા ગૌચર ખુલ્લુ કરાયું: ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડીનાર તાલુકાના દેવડી ગામમાં 50 વીઘા ગૌચર જમીનમાં દબાણકારો દ્વારા દબાણ કરીને અહીં મગફળી અને શેરડીની ખેતી પાછલા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ જગ્યા ગામના પશુધનના ચરણ માટેની હતી. પરંતુ તેમાં દબાણ કરો દ્વારા પોતાનો કબજો જમાવીને ખેતી કરતા તેમાંથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા. આવી 50 વીઘા જમીન ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે.
વધુમાં જિલ્લામાં જે દબાણકારો દ્વારા સરકારી કે ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરે અન્યથા જિલ્લા વહીવટી તંત્ર બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં આ જ પ્રકારે કામગીરી કરીને ગૌચર અને સરકારી જમીનને ખુલ્લી કરાવશે તેવી ચિમકી જિલ્લા કલેકટર દ્વારા દબાણ કારોને આપવામાં આવી છે.