સુરત: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદેશપ્રધાન ડોક્ટર એસ જય શંકરે હાજરી આપી હતી. જ્યાં તેઓએ ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ પણ હાથ ધરી હતી. આ દરમિયાન ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા એ હીરા ઉદ્યોગની સૌથી મોટી સમસ્યા કહી શકાય તેવી સમસ્યા અંગે તેમને પ્રશ્ન પૂછ્યો હતો. તેઓએ પૂછ્યું હતું કે G7, G20 અને અમેરિકા દ્વારા રશિયન ડાયમંડ પર મુકેલા પ્રતિબંધના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલમાં મુકાયો છે. જે સંદર્ભમાં એસ.જયશંકર એ તેમને જણાવ્યું હતું કે સરકાર વાતચીત કરી રહી છે. આ સાથે ઉદ્યોગને નવા માર્કેટમાં ડાઈવર્ટ થવાની જરૂર છે.
યુરોપિયન દેશો સાથે અમારી વાતચીત ચાલી રહી છે - વિદેશ પ્રધાન
વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરને રજૂઆત કરવામાં આવી હતી કે હાલ ડાયમંડ ઉદ્યોગમાં ચિંતા છે. રશિયન ડાયમંડ પર જે રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તે દિશામાં સરકાર શું કરી રહી છે. આ મામલે વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે યુરોપિયન દેશો સાથે અમારી વાતચીત ચાલી રહી છે. G7ના અલગ અલગ દેશો પાસે પણ આ વિશે જણાવવામાં આવ્યું છે. અમે તેમની સમક્ષ વાતો રાખી છે. અમે જણાવ્યું છે કે જેટલા નાના યુનિટ છે અને કારીગરો છે તેમનું ચોક્કસથી કાળજી લેવામાં આવે. મને લાગે છે કે હાલ સ્થિતિ આટલી હદે સ્પષ્ટ નથી. અમને લાગે છે કે જે પણ નીતિઓ તેઓ દ્વારા બનાવવામાં આવશે તેઓ કાળજી રાખશે. આ ઉપરાંત અન્ય માર્કેટ પણ છે જ્યાં વેપારની તકો ઊભી કરી શકાય છે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મુશ્કેલીઓ - હીરા ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે G7, G20 અને અમેરિકાએ રશિયાની અલરોઝા કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંથી જે અમે રફ ઇનપોટ કરીએ છીએ. અમે 29% રફ ડાયમંડ ત્યાંથી ઈમ્પોર્ટ કરીએ છીએ. આ રફના માધ્યમથી અમે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને સુરત નાના નાના કારખાનાઓમાં રોજગારી આપી રહ્યા છે. પરંતુ હવે પ્રશ્ન છે કે જે રફ ડાયમંડથી કટ એન્ડ પોલિશદ ડાયમંડ તૈયાર થઈ રહ્યું હતું. તે રફ ઈમ્પોર્ટ અમે કરી શકતા નથી. અને જે પણ હાલ આવી રહ્યું છે તેનાથી તૈયાર ડાયમંડ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યું છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને મુશ્કેલીઓ થઈ રહી છે. એ વાત અમે વિદેશ મંત્રી પાસે રાખી હતી. તેઓએ જવાબમાં જણાવ્યું છે કે આ પ્રશ્નનો નિકાલ આવે તે માટે પ્રયત્નશીલ રહેશે. આ સાથે તેઓએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને નવા માર્કેટમાં તક મેળવવાની જરૂર છે.