અમદાવાદઃ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપરવાસમાં સતત પડતા વરસાદથી બે કાંઠે ધમમસતી બની છે. સરદાર ડેમથી નર્મદામાં સતત આવતા પાણીને છોડાતા ભરુચ પાસેની નર્મદા નદી તેના ઠાઠમાઠ થકી નર્મદા મા સ્વરુપે ભાસે છે. નર્મદાના સૌંદર્યથી અન્ય નદીઓ પણ ઝાંખી પડે છે. આ છે નર્મદા નદીનું સોહામણું સ્વરુપ...
સાબરકાંઠાની હરણાવ, પુણ્યશિલા અને હાથમતી પણ સોળે કળાએ ખીલી
સાબરકાંઠાથી પસાર થતી હરણાવ નદી, પુણ્યશિલા નદી, હાથમતી નદી અને ભૂણું નદીઓમાં પણ સતત વરસાદ થકી નવા નીર આવ્યા છે. વિજયનગર તાલુકામાં સતત 24 કલાકથી પડતા વરસાદથી સુક્કી નદીઓ નવપલ્લવિત થઈ છે.
ભાદર તારા વહેતા પાણી
ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે પોરબંદર પંથકથી પસાર થતી ભાદર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણીના અને ઉપરવાસમાં વરસાદથી પાણીની સતત આવક ચાલુ રહેતા વર્તુ -2 ડેમથી પાણી છોડવામાં આવ્યું છે.
ભાદરના પૂરના કારણે ઘેડ પંથક ફરીથી જળબંબાકાર
જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં પડતા વરસાદને કારણે ફરી એક વખત ઘેડના ગામો જળબંબાકાર થયા છે. પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદનું પાણી ભાદર નદીમાં આવતા ઘેડના ગામો ફરી એક વખત જળમગ્ન થયા છે. સતત પડતા વરસાદના કારણે પોરબંદર થી જુનાગઢ ને જોડતા રાજ્ય ધોરીમાર્ગને પણ કરાયો બંધ કરાયો છે.