ગાંધીનગર: રાજ્યમાં વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તામાં ખાડા પડવાની સંખ્યા વધી છે. જેને ઝડપી પુરવાની ઝુંબેશ સરકારે હાથ ધરી છે. આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડાનું મેટલ પેચ વર્ક પૂરું કરવામાં આવશે. આ ઉપરાંત ડામર પેચ વર્ક પણ કરવામાં આવશે. ઓક્ટોબર માસથી જ્યાં રોડ તૂટ્યા છે, ત્યાં રી કાર્પેટિંગ કરવામાં આવશે.
![રાજ્યમાં 4,172 કિમીના રસ્તાઓ વરસાદમાં ધોવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/22441239_road.jpg)
4172 કિલોમીટરના રસ્તાઓ ધોવાયા: ગુજરાતમાં રસ્તાના નેટવર્કમાં તમામ રસ્તા મળીને 1 લાખ 30 હજાર 686 કિલોમીટરના છે, અને જ્યાં નુક્સાન થયું છે, એમાં 4172 કિલોમીટર છે. આ પૈકી 2,429 કિલોમીટરમાં મેટલ પેચ વર્ક પૂરું કર્યું છે. બાકીની 1,743 કિલોમીટરની કામગીરીમાં કાચા મેટલ પેચ વર્ક કરવામાં આવશે. 81 ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
બિસ્માર રસ્તાઓ પર મેટલ પેચ વર્ક: રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે રોડ-રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિની સંપૂર્ણ પણે સત્વરે પૂર્વવત કરવા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. તેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓની સર્જાયેલી પરિસ્થિતિના સમારકામને તા. ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે.
કુલ ૨,૪૨૯ કિ.મી. ના રસ્તાઓમાં મેટલ પેચવર્ક કામ પૂર્ણ: રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ ૧.૩૦ લાખ કિ.મી. લંબાઇના રસ્તાઓ છે. જે પૈકી કુલ ૪,૧૭૨ કિ.મી. લંબાઇના રસ્તા વરસાદમાં નુકશાન પામેલા હતા. જેમાં યુધ્ધના ઘોરણે કામગીરી હાથ ધરીને કુલ ૨,૪૨૯ કિ.મી. ના રસ્તાઓમાં મેટલ પેચવર્ક કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બાકી રહી જતા ૧,૭૪૩ કિ.મી. રસ્તાઓના મેટલ પેચવર્કનું કામ આગામી ત્રણ દિવસમાં સત્વરે પૂર્ણ કરાશે.
સામાન્ય રીતે ૧૫ ઓક્ટોબર પછી રોડ રસ્તા રીપેરીંગમાં ડામર પાથરવાની કામગીરી શરૂ કરાય છે. પરંતુ આ વર્ષે યુધ્ધના ધોરણે સમગ્ર કામગીરી આરંભીને અત્યાર સુધીમાં ૮૧ ડામર પ્લાન્ટચ કોરા વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યા છે.