કચ્છ: જિલ્લાના સફેદ રણમાં રણોત્સવ શરૂ થાય તે અગાઉ ધોરડોમાં 6 જેટલા ખાનગી રિસોર્ટ દૂર કરવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે અને એક વર્ષ અગાઉ મોકલવામાં આવેલ નોટિસ બાદ સંચાલકો દ્વારા રિસોર્ટ દૂર કરવા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ધોરડો ચાર રસ્તાથી સફેદ રણ સુધી જતા રસ્તા પર આવેલા 6 જેટલા ખાનગી રિસોર્ટ તંત્ર દ્વારા નડતરરૂપ હોવાથી તોડી પાડવામાં આવ્યા છે.
ટેન્ટ સિટીના ટેન્ડર વિવાદ બાદ રિસોર્ટ દૂર કરતા મામલો ચર્ચામાં: જાણવા જેવી બાબત એ છે કે, 11 નવેમ્બરથી કચ્છના ધોરડોના સફેદ રણ પાસે રણોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. તે અગાઉ બીએસએફની ચોકી પાસે 6 જેટલા ખાનગી રિસોર્ટના 200 જેટલા તંબૂ તોડી પાડવામાં આવ્યા છે. આ વખતે બે ખાનગી કંપનીઓ વચ્ચે રણોત્સવના ટેન્ડર પ્રક્રિયા માટેના વિવાદ બાદ ફરી રણોત્સવની ટેન્ટ સિટીનો મામલો ચર્ચામાં આવ્યો છે.
રિસોર્ટ દૂર કરાતા સંચાલકોમાં પણ નારાજગી ફેલાઈ: 2 વર્ષ અગાઉ રણોત્સવની આસપાસના વિસ્તારમાં ખાનગી રિસોર્ટની પરવાનગી આપવામાં આવી હતી. જોકે હવે આ રિસોર્ટ દૂર કરવામાં આવતા લાખોના ખર્ચે બનેલા માળખા તોડી પાડવામાં આવતાં સંચાલકોમાં પણ નારાજગી ફેલાઈ છે. તો બીજી તરફ આ રિસોર્ટ દ્વારા રણોત્સવ માટે અગાઉથી લઈ લેવામાં આવેલા બુકિંગ સામે પણ સવાલો ઊભા થયા છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે તો પછી પહેલા પરવાનગી આપવામાં જ કેમ આવી હતી?
હંગામી ટેન્ટ સિટી માટે મંજૂરી આપવામાં આવી હતી: ભુજના પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવે આ મુદ્દે જણાવ્યું હતું કે, ભુજ ગ્રામ્ય મામલતદાર અને ખાવડાના નાયબ મામલતદાર તેમજ પોલીસની ટીમની હાજરીમાં 200 જેટલા તંબૂ અને તંબૂ બાંધવા માટેના માળખા, બાથરૂમની દિવાલો તેમજ પાકા ભૂંગા વગેરે જેવું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ છ રિસોર્ટના સંચાલકોને તે વિસ્તારમાં માત્ર હંગામી ટેન્ટ સિટી માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે હવે બીએસએફની ચોકી આવેલી છે. પરિણામે હવે જે જગ્યા આ ખાનગી રિસોર્ટના સંચાલકોને ફાળવવામાં આવી હતી તે નડતરરૂપ હોવાથી તેમને દૂર કરવામાં આવ્યા છે.
બસ વ્યવસ્થા શરૂ કરવાની હોવાથી કરાઈ કાર્યવાહી: અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લાં 3 વર્ષોથી નિર્માણ કરવામાં આવેલા બસ પોર્ટ કે જેનું ઉદ્ઘાટન થયા બાદ શરૂ કરવામાં આવ્યું ન હતું, તે હવે આ વખતે રણોત્સવમાં આવતા પ્રવાસીઓને સફેદ રણમાં લઈ જવા-આવવા માટે ડ્રોપ-ઓન ડ્રોપ-ઓફની બસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. જે માટે પણ આ રિસોર્ટ નડતરરૂપ બનતા હતા.
તંબૂ-ભૂંગાને અન્ય સ્થળે લઈ હટાવવા ગયા વર્ષે જ નોટીસો આપવામાં આવી: આ તમામ રિસોર્ટ સંચાલકોને અહીંથી હટી જવા માટે ગત વર્ષે જ જાણ કરવામાં આવી હતી. ઉપરાંત ગયા વર્ષથી જ તેમની મંજૂરી પણ પૂર્ણ થઈ ગઈ હતી. આ વિસ્તારના હોમસ્ટે માટેના આ રિસોર્ટના તંબૂ-ભૂંગાને અન્ય સ્થળે લઈ જવા ગત વર્ષે જ નોટીસો આપવામાં આવી હતી, છતાં સંચાલકો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન કરતાં આખરે તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, આ રિસોર્ટ ઉપરાંત અન્ય ખાણીપીણીના સ્ટોલ પણ તોડી પાડવામાં આવ્યા છે.
પ્રવાસીઓને આવકારવા માટેની તૈયારીઓ ચાલુ હતી તેની વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું:
દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો કચ્છમાં શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ તમામ રિસોર્ટના સંચાલકો દ્વારા ઓનલાઈન બુકિંગ પણ લઈ લેવામાં આવ્યું હતું. આમ, એક બાજુ સજાવટની તૈયારીઓ તેમજ પ્રવાસીઓને આવકારવા માટેની તૈયારીઓ ચાલુ હતી તેની વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવતાં પ્રવાસીઓના રેહવા માટેના રિસોર્ટ તોડી પાડવામાં આવતા લાખોનું નુકસાન ગયું છે.
સંચાલકો વચ્ચે ચર્ચા: અહીં ઉલ્લેખનીય છે કે, સંચાલકો દ્વારા મહિને એક લાખ ભાડું તંત્રને ચૂકવવામાં આવતું હતું. રિસોર્ટ માટેની હંગામી મંજૂરી 15-15 દિવસની જ આપવામાં આવતી હતી, તો તંત્રએ કાર્યવાહી કરી એ અગાઉ જો વૈકલ્પિક જગ્યાએ નવું માળખું ઊભું કરવા તંત્ર દ્વારા સંચાલકોને મુદ્દત આપવામાં આવી હોત તો સંચાલકો મોટી નુકસાનીમાંથી બચી જાત તેવી ચર્ચા પણ સંચાલકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: