ભાવનગર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનના તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પ્રચારની રફતાર પણ વેગ પકડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દિલ્હી આમ આદમી પાર્ટીના વિરષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ સંજયસિંહ ભાવનગરની ચૂંટણીલક્ષી પ્રવાસે આવ્યાં હતા અહીં તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
ક્ષત્રિય આંદોલન અને કેજરીવાલ મુદ્દે કહ્યું: ભાવનગર લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર અર્થે દિલ્હીના રાજ્ય સભાના સાંસદ સંજયસિંહને સ્ટાર પ્રચારક તરીકે ખાસ બોલાવવામાં આવ્યા છે. સંજયસિંહે ગુજરાત અને દેશમાં ચાલતા પ્રચારને પગલે સ્થાનિક ગુજરાતના ક્ષત્રિય આંદોલનને સંબોધીને ભાજપ સરકાર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલ જેલમાં હોય તેમની ઉણપ પાર્ટીમાં જરૂર જોવા મળી રહી છે અને પાર્ટી દ્વારા ચાર ગણી મહેનત કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
કોણ છે સંજય સિંહ: યુપીના સુલતાનપુરમાં જન્મેલા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા સંજય સિંહનો જન્મ 22 માર્ચ 1972ના રોજ થયો હતો. પિતાનું નામ દિનેશ સિંહ અને માતાનું નામ રાધિકા સિંહ છે. સુલતાનપુરમાં પ્રારંભિક શિક્ષણ પછી, તેમણે 1993 માં માઇનિંગ એન્જિનિયરિંગ કર્યું. સ્કૂલ ઓફ માઈનિંગ એન્જિનિયરિંગ, ઓડિશામાંથી ડિપ્લોમાની ડિગ્રી લીધા પછી, તેમણે ધનબાદમાં કામ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી નોકરી છોડી દીધી. તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સંજયને જામીન મળી ગયા છે. તે છેલ્લા 6 મહિનાથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા.