ગાંધીનગર : રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ સતત માંગણી કરી રહ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજ માંગણી ન સ્વીકારતા ક્ષત્રિય સમાજે આજે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યો છે. સમાજે ગુજરાતભરમાં ભાજપનો વિરોધ કરવાનો એલાન કર્યું છે ત્યારે સોમવારે સવારે ક્ષત્રિય મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સેક્ટર 17માં ઉપવાસ પર બેઠી હતી.
રાજપુતાણીઓનો એક દિવસનો ઉપવાસ : કચ્છ, કાઠીયાવાડ રાજપુત મહિલા મંડળના કાર્યકારી પ્રમુખ કંચનબા ગોહિલે જણાવ્યું કે અમે આજે એક દિવસ ઉપવાસ પર બેઠા છીએ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી માંગણી છે. રૂપાલાએ બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તે શોભનીય નથી. ટિપ્પણીથી અમે ખૂબ જ દુઃખી અને અપમાનિત થયા છીએ. અમારા અપમાનનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. આવતીકાલે હનુમાન જયંતિ હોવાથી આખો દિવસ ભજન અને ઉપવાસ કરીશું.અમે ભગવાનને એક જ પ્રાર્થના કરીશું કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને રૂપાલાની ટિકિટ રદ થાય.
રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ : સુશીલાબા જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજ અને ગાંધીનગર રાજપુત મહિલા મંડળ દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2014 ના રોજ ગાંધીનગર ટાઉન હોલમાં ગુજરાતમાં પ્રથમવાર રાજપૂતાણી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પધાર્યા હતા. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગમે ત્યારે બહેનો દીકરીઓને વિકાસ માટે જરૂર હોય તો હું કોરા ચેક પર સહી કરી આપીશ. પરંતુ અમારે કોરો ચેક નથી જોઈતો અમારું સન્માન પરત આપો. આમ રાજકોટ મહિલાઓએ એક સૂરે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી.