રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટી બાબતે તંત્ર હરકતમાં આવ્યું હતું. જે પણ લોકો નિયમોનું પાલન ન કરતા હોય તેના વિરુદ્ધ જે તે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે વિદ્યાર્થીઓને લઈ જતા વાહનચાલકો કેટલાક નિયમોનું પાલન ન કરતા હોવાથી તેમના વિરુદ્ધ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી વાનચાલકો પણ રોષે ભરાયા છે.
સ્કૂલ વાનચાલકો માટે નિયમ : રાજકોટમાં અગ્નિકાંડ બાદ જુદા જુદા નિયમો અનુસંધાને મહાનગરપાલિકા, પોલીસ અને આરટીઓ વિભાગ અને કલેક્ટર વિભાગ કામગીરી કરી રહ્યું છે. હવે વેકેશન પૂરું થતાં શાળાઓ શરૂ થવાની છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં શાળાએ જતા હોય છે. જેમાં સીએનજી ગેસ કીટ હોય છે, જે વિદ્યાર્થીઓ માટે ખતરા સમાન છે. આ મામલે આરટીઓ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી જે વાનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા વધુ વિદ્યાર્થીઓ બેસાડશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી રાહુલ પ્રજાપતિએ જણાવ્યું છે.
વાન એસોસિયેશનની રજૂઆત : જોકે, આ મામલે વાન એસોસિએશનના સભ્યો વિજયસિંહ રાઠોડ અને બળવંતસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, વાનચાલકો દ્વારા કલેક્ટર, આરટીઓ સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય નિર્ણય લઈ અને વાનચાલકોને વાન શરૂ કરવા દેવામાં આવે. પરંતુ કોઈપણ યોગ્ય નિર્ણય કેટલાય દિવસથી લેવામાં આવતો નથી. શાળાઓ શરૂ થવાની છે ત્યારે હજુ સુધી આરટીઓ વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવી નથી. જેને લીધે વાનચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
વાન સંચાલકો મૂંઝાયા : જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે જે વાહનમાં પાર્સિંગની જેટલી મંજૂરી હોય એના કરતાં બે ગણા વિદ્યાર્થીઓ બેસાડી શકાય પરંતુ ગેસ કીટ પર પાટિયું કે અન્ય કંઈ મૂકી ત્યાં વિદ્યાર્થીઓ ન બેસાડવા, તો ડબલ વિધાર્થી બેસાડવા કેવી રીતે શક્ય છે. એસ્ટ્રોન ચોકના બગીચામાં આજે વાનચાલકો ભેગા થયા અને આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવા માટે મિટિંગ પણ કરવામાં આવશે. વાન સંચાલકોને નિયમોનું પાલન કરવામાં વિરોધ નથી કરી રહ્યા, પરંતુ રોજ રોજ ફરતા નિયમોથી વાન સંચાલકો મુંઝવણમાં મુકાયા છે.