રાજકોટ: રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનાને કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ વિગતો સામે આવી રહી છે. ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિત વાળા નામનો યુવક આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી.
ત્યારે તેના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિત વાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો કોઈપણ પ્રકારે સંપર્ક થયો ન હતો. જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટની દરેક હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવી રહ્યું હતું કે તેમનો પુત્ર કદાચ સહી સલામત હશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે. આવી આશાઓ અને અપેક્ષાઓ સાથે મૃતક સ્મિત વાળાના પરિવારના સભ્યો અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સાર સંભાળ અને પૂછ પરછ કરવા ગયા હતા જ્યાં તેમને તેમનો પુત્ર ન મળ્યો.
અંતે તેમણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ માટેની કામગીરી હાથ ધરી હતી જ્યાં તેમના પરિવારના સભ્યોનો ડીએનએ મેચ થતા તેમને મૃત દેહ સોંપવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે જ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમજ 22 વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હતું અને જવાબદારો સામે કડક અને ન્યાયિક કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.