રાજકોટ : અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામમાં બે કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખીઓ સાથે અવનવા ફ્લોટસ પણ રજૂ કરવામાં આવ્યા. ત્યારે આ ઉત્સવમાં ખાસ કરીને વીરપુર મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉત્સવમાં સાથ આપીને સહભાગી થવા માટે આ શોભાયાત્રામાં જોડાયા હતાં અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ધારાસભ્ય લોકો વચ્ચે નૃત્યમાં જોડાયાં : વીરપુરમાં સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રાના રૂટમાં પાણી તેમજ શરબત અને મહાપ્રસાદના અનેક સ્ટોલો ઉભા કરાયા હતાં. આ શોભાયાત્રામાં વીરપુર ગામના સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ શોભાયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા પણ જય શ્રી રામના નારા લગાવી લોકો સાથે આનંદ વ્યક્ત કરી રહ્યાં હતાં.
રામલલ્લાને આજીવન થાળ ધરાવાશે : યાત્રાધામ વીરપુર માટે હવેથી કાયમી માટે એક ગૌરવની વાત છે. કારણ કે, અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મામલે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘ વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.
ગામમાં ખુશીનો માહોલ : મહત્વનું છે કે, જ્યારે રામ મંદિર માટે અયોધ્યામાં તોફાનો થયા હતા. ત્યારે ઇંટ અમારા ગામની આ વીરપુરનું સૂત્ર હતું. જે ગામે ગામ પ્રચલિત થયું હતું. ત્યારે ત્રીસ વર્ષ પછી જ્યારે રામ મંદિર કેસનો ચુકાદો આવ્યો અને મંદિર બની ગયું છે તેને લઈને પણ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે જ રામલલ્લાને આજીવન થાળ ધરાવવાનો મોકો મળતા સમગ્ર વીરપુરની ખુશી બેવડાઈ ગઈ છે.