રાજકોટઃ ગત શનિવારે TRP ગેમ ઝોનમાં લાગેલી આગની અંદર અનેક લોકોના બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટના સંપૂર્ણ બેદરકારીને લીધે બની હોવાનું સર્વવિદિત છે. મૃતકોના અને લાપતા લોકોના પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આ દુર્ઘટના બદલ રોષ ફાટી નીકળ્યો છે. સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર એક્શન જે એક્શન લીધા છે તેના પર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપો કર્યા છે.
જનતાનો રોષ ઠારવા ઠાલા પ્રયાસોઃ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ પર સરકારની કાર્યવાહી પર લલિત વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લોકોનો આક્રોશ ઠારવા માટે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને ઉચ્ચ અધિકારીઓના બચાવવા માટે પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર જેવા અધિકારીઓની બદલી કરીને સંતોષ માન્યો છે. જ્યારે રાજકોટની અંદર સારી સફાઈનો એવોર્ડ મળે તો જશ લેવા મ્યુનિસિપલ કમિશ્નર જાય છે. ક્યાંય મોટી રેડ પડે અને પોલીસ મુદ્દામાલ પકડે તો એનો જશ પોલીસ કમિશ્નર લેવા જાય છે. હવે આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારે નાના કર્મચારીઓને જવાબદાર ગણી અને તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે.
ઉદ્દઘાટન મુદ્દે પણ વાકપ્રહારઃ લલીત વસોયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના આ ગેમ ઝોનનું ઉદ્ઘાટન કરવા પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક, કલેક્ટર આ બધા ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં જાય છે ત્યારે આ નાના કર્મચારીઓની શું હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલાં લઈ શકે છે. આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સંડવણી પણ છે જેથી સરકારે આ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને પોલીસ ફરિયાદની અંદર તેમના નામ દાખલ કરવા જોઈએ. સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટનામાં દોષી ગણી અને તેમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કર્યુ નથી. જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલાં નહિ લે ત્યાં સુધી આ પ્રકારની ઘટના બનતી રહેશે.
સરકારનો ઢાંકપીછોડોઃ લલીત વસોયાએ સરકાર દ્વારા લીધેલા એકશન પર વાકપ્રહાર કરતા જણાવ્યું હતું કે,સરકાર દ્વારા આખી ઘટના ઉપર ઢાંકપીછોડો કરવા માટે પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરી દેવામાં આવી છે. તેના બદલે પોલીસ ફરિયાદની અંદર તેમના નામ દાખલ કરી તેઓને ફરજ મુક્ત કરવા જોઈએ તો જ બાકીના જિલ્લાઓની અંદર અને ગુજરાતની અંદરના IPS અને IAS અધિકારીઓ આવી ઘટનાઓ ન બને તે માટે એલર્ટ રહેશે.