અમદાવાદ : આગામી 7 માર્ચથી ગુજરાતમાં આવી રહેલી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે. રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા લઇને 7 માર્ચ ગુરૂવારના રોજ બપોરે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 8 માર્ચના રોજ સવાર સમયે દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી ભારત જોડો ન્યાય યાત્રા પદયાત્રા શરૂ થશે.
આયોજન બેઠક મળી : ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પરિભ્રમણ કરવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટીંગ મળી હતી. આ મિંટીંગમાં ગુજરાતના પ્રભારીશ્રી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.
ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રિજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે...ડૉ. મનીષ દોશી ( કોંગ્રેસ પ્રવક્તા )
લોકોની સમસ્યાઓને વાચા આપવામાં આવશે : ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફિક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન વાચા આપવામાં આવશે.