ગાંધીનગર: ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે. તેમાં પણ ખાસ કરીને ખમણ, ઢોકળા, લોચો, હાંડવો, ખમણી વગર ગુજરાતીઓને સવાર અધુરી હોય છે. ત્યારે ગાંધીનગર રામકથા મેદાનમાં છેલ્લા 25 વર્ષથી પ્રકાશભાઈ પટેલ સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજનો ગાંધીનગરવાસીઓને ખવડાવે છે. ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલા રામકથા મેદાનમાં ખાણીપીણીની લારીઓની કતાર છે. લગભગ આ કતારમાં તમને તમામ પ્રકારની વાનગીઓ મળી જાય છે. ખાણી પીણીની લારીઓની કતાર વચ્ચે એક નામ અલગ કરી આવે છે આ નામ એટલે પ્રકાશભાઈ ઢોકળાવાળા.
25 વર્ષથી ગુજરાતી વાનગીઓ પીરસે છે: પ્રકાશભાઈ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરવાસીઓને લાઈવ ઢોકળા, લોચો, ખમણ, ખમણી, હાંડવો વગેરે ગુજરાતી વાનગીઓ ખવડાવે છે. પ્રકાશભાઈએ પોતાની સફળતા વિશે જણાવ્યું કે, શરૂઆતમાં હું અમદાવાદમાં ખાણીપીણીની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારબાદ મને વિચાર આવ્યો કે, મારે આગળ વધવું હોય તો પોતાનો વ્યવસાય કરવો જોઈએ. પરંતુ, મારી પાસે દુકાન રાખીને વ્યવસાય શરૂ કરવા માટે મૂડી રોકાણ ન હતું.
ધંધો જમાવવા પ્રકાશભાઇએ ખૂબ સંઘર્ષ કર્યો: 2006માં પ્રકાશભાઈએ લારીથી શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ લારી પર માત્ર સુરતી સેવ ખમણ અને ખમણી લોકોને ખવડાવતા હતા. પ્રકાશભાઈએ ગ્રાહકોને સુરતી ખમણનો એવો સ્વાદ ડાઢે વળગાડયો કે, ગ્રાહકો વધુ વાનગીઓની ડિમાન્ડ કરવા લાગ્યા હતા. બાદમાં લાઈવ ઢોકળા, સુરતી લોચો, હાંડવો, ઈડલી વડા વગેરે વાનગીઓ બનાવીને ગ્રાહકોને ખવડાવે છે. ધંધો જમાવવામાં શરૂઆતમાં પ્રકાશભાઈએ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. પરંતુ હવે ધીરે ધીરે ધંધો જામી ગયો છે. તમામ વસ્તુ ગ્રાહકની સામે ગરમાગરમ અને લાઈવ બનાવવામાં આવે છે.
સાફ સફાઇનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે: દરેક વસ્તુ શુદ્ધ સીંગતેલમાં બનાવવામાં આવે છે. દરેક વસ્તુ વ્યાજબી ભાવમાં ગ્રાહકોને ખવડાવે છે. પ્રકાશભાઈની વાનગીઓ વિશે ગ્રાહક ચેતનાબેને જણાવ્યું કે, અમે ગાંધીનગર સેક્ટર 11 માં પ્રકાશભાઈના ખમણ-ઢોકળા ખાવા માટે નિયમિત આવીએ છીએ. દરેક વ્યંજનનો ટેસ્ટ ખૂબ સારો છે. બધી વસ્તુ લાઈવ ગરમ ગરમ આપણી સામે જ બનાવીને આપે છે. હાઈજિનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. તેમના સુરતી ખમણ અને ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
25 વર્ષથી ટેસ્ટ જાળવી રાખ્યો છે: ગ્રાહક કુશલ દવેએ જણાવ્યું કે, પ્રકાશભાઈને ત્યાં ઘણા વર્ષોથી નાસ્તો કરવા આવું છું. હું છેલ્લા વર્ષોથી અમને ત્યાં હાંડવો અને ઢોકળા નિયમિત ખાવા આવી રહ્યો છું. તેમની દરેક વાનગી બીજા બધા કરતા હાયજેનિક છે. ફરસાણનો સ્વાદ બધી રીતના સારો છે. કંઈ આડઅસર થતી નથી. જેમ કે, પીઝા, બર્ગર વધું ખાવાથી આપણને આડઅસર થાય છે. ખોટા વધુ રૂપિયા ખર્ચવા પડે છે. એના કરતા એકદમ સસ્તું સારું અને ઘર જેવો ટેસ્ટ આપે છે. પ્રકાશભાઈએ વર્ષોથી એક જ ટેસ્ટ જાળવી રાખ્યો છે. છેલ્લા 5- 10 વર્ષથી હું એમને ત્યાં જ નાસ્તો કરું છું.