પોરબંદર: જિલ્લાના બગવદર પાસે આવેલ ભેટકડી ગામે આજે સવારે એક શ્રમિક પરિવારની બાળકી ધરાશાયી થયેલા પુલ નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તલાટી મંત્રી સહિત પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બાળકીને બચાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે 8 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળવાની વાત પરિવાર સુધી પહોંચતા શોકનું મોજું ફેલાયું ગયું હતું.
પોરબંદર તાલુકાના ભેટકડી ગામે પઠાપીરથી શિંગડા તરફ જતા રસ્તા પર સુરેશજી પરબતજી ઓડેદરાની વાડીએ પરપ્રાંતીય મજુર સંજય નાનકાભાઈ આસ્કેલનો પરિવાર રહેતો હતો. તેઓ વાડીનું કામ કરતાં હતા. સંજયભાઈની 7 વર્ષની પુત્રી ખુશી આજે સવારે ભેટકડીથી શિંગડા તરફ જતા બંધ રોડ પર આવેલ સોરઠી નદીના પુલ નજીક નાહતા સમયે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અને ત્રણ મહિના પહેલા ધરાશાયી થયેલ પુલના કાટમાળ નીચે ફસાઈ ગઇ હતી.
આ ઘટનાની લોકોને જાણ થતાં ભેટકડી ગામના સરપંચ તથા તલાટી મંત્રી અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આઠ કલાકની મહેનત બાદ આશરે સાંજે 7:15 કલાકે બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. બાળકીના મોતથી શ્રમિક પરિવાર સહિત નાના એવા ભેટકડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: