પંચમહાલઃ ગોધરામાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગોધરા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ ગોધરા શહેરના હાર્દ સમા બામરોલી રોડ પરની સોસાયટીમાં ગત સાંજે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનીએ પંખા પર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ લેતા તેનું કરુણ મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીની ગત મોડી સાંજે ટ્યુશનથી આવીને ઘરના મંદિર વાળા રૂમમાં ગઈ હતી. તેણીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. છોકરીની માતા ઘરની બહાર જ ઓટલા પર બેઠા હતા. થોડી વાર સુંધી છોકરી રૂમની બહાર ન આવતા માતાએ નાના દીકરાને દીદી(મૃતક)ને બોલાવી લાવવા કહ્યું. છોકરીના ભાઈએ દરવાજો ખખડાવતા કોઈ પ્રતિસાદ મળ્યો નહતો. અન્ય ચાવીથી દરવાજો ખોલતા જ નાના ભાઈ એ બૂમાબૂમ કરી મુકી હતી. આ બૂમો સાંભળીને માતા તેમજ પાડોશીઓ રુમમાં ધસી આવ્યા હતા. જો કે બહુ મોડું થઈ ગયું હતું. પરિવારજનોએ વિદ્યાર્થીનીના પિતાને કોલ કરીને બોલાવતા તેઓ પણ ઘરે ધસી આવ્યા અને દીકરીને આ હાલમાં જોઈ ભાંગી પડયા હતા.
પોલીસ કાર્યવાહીઃ આ બનાવની જાણ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. તેથી પોલીસ સત્વરે ઘટના સ્થળે ધસી આવી અને કાયદાકીય કાર્યવાહી કરી હતી. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ધોરણ 10નો સ્ટ્રેસ અને ડિપ્રેશન હોવાનું જણાઈ રહ્યું છે. હવે બોર્ડની પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓમાં તણાવ વધતો જોવા મળે છે. તણાવ ચરમસીમાએ પહોંચી જાય ત્યારે નબળી ક્ષણે વિદ્યાર્થીઓ ન કરવાનું કરી બેસતા હોય છે. ગોધરાની આ ઘટના વિદ્યાર્થી આલમ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.