અમદાવાદ: થોડા સમય પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બે ઐતિહાસિક બ્રિજ સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ તોડીને નવા સિક્સલેન બ્રિજ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને 2 જાન્યુઆરી 2025થી દોઢ વર્ષ માટે સારંગપુર બ્રિજને સદંતર બંધ કરી દેવા જણાવ્યું છે. સાથે અન્ય વૈકલ્પિક માર્ગો વિશે પણ માહિતી આપી છે.
2 જાન્યુઆરીથી સારંગપુર બ્રિજ બંધ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરી 2025 થી દોઢ વર્ષ માટે સદંતર બંધ કરી દેવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનની સાથે સાથે કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજ બંનેના રીડેવલોપમેન્ટ માટે થોડા સમય અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ રહેશે અન્ય વૈકલ્પિક માર્ગ
1. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રિજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
2. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈને કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
3. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
4. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવનાર હોય તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી ૨૪ કલાક માટે બ્રિજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન આપવામાં આવે છે.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice @GujaratPolice pic.twitter.com/bcX3RnS76o
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) December 30, 2024
રેલવે અને મ્યુનિ. 50-50 ટકા ખર્ચ ભોગવશે
સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંને રેલવે ઓવર બ્રિજ હોવાથી રેલવે અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન બંને 50-50 ટકા ખર્ચ ભોગવશે. જેમાં સારંગપુર બ્રિજ પાછળ લગભગ રૂ.226.48 કરોડનો ખર્ચ તેમજ કાલુપુર બ્રિજ 213.33 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમા કોર્પોરેશનના ભાગે આવતો ખર્ચનો 50 ટકા હિસ્સો રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ચૂકવવામાં આવશે. રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરી કરતી રેલવેની પેટા સંસ્થા રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ બંને બ્રિજ તૈયાર કરવામાં આવશે.
કાલુપુર અને સારંગપુરના ટ્રાફિકનો અંત આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'આ બંને બ્રિજ બનાવાશે એટલે બંને બ્રિજને પહોળા પણ કરાશે જેથી કાલુપુર અને સારંગપુર વિસ્તારમાં અનુભવાતી મોટી સમસ્યા ટ્રાફિકની છે જે સમસ્યા આ નવા બ્રિજ બનતા દૂર થશે.'
આ પણ વાંચો:
- દેશ-વિદેશમાં પ્રસરી વઢવાણી રાયતા મરચાના સ્વાદની સોડમ, મહિલાઓ થઈ રહી આત્મનિર્ભર
- ડુંગળીના ઘટતા ભાવે ખેડૂતોને રોવડાવ્યા, 20 કિલોના 250 થી 300 રૂપિયા મળવાના પણ ફાંફા