નવસારી: જિલ્લાના બીલીમોરા તાલુકામાં આવેલી પાણી પુરવઠા વિભાગમાં મસમોટુ કૌભાંડ સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ કાર્યરત ન હતા તેના બીલ મૂકવામાં આવતા હતા અને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધી 12 કરોડ રૂપિયાના બિલ રાજ્ય સરકારમાં મૂકી પાસ કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં 14 દિવસના રિમાન્ડ સામે નવ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.
સમગ્ર બાબતે નવસારી જિલ્લા કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, નલ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા કામમાં જે પાઇપો વાપરવામાં આવી હતી તે 8 થી 10 ગામોમાં બિન ઉપયોગી પડી છે અને તેના પર બિલ પણ પાસ થયાનો આક્ષેપ કર્યો હતો. સાથે રાજ્યમાં આદિવાસી મંત્રી હોવા છતાં આટલું મોટું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું એને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સવાલો ઉઠાવ્યા હતા અને અગામી સમયમાં ઉગ્ર વિરોધ અને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે. તો બીજી તરફ શૈલેષ પટેલ દ્વારા આ કૌભાંડ પાંચ કરોડનું નહીં પરંતુ 50 કરોડ રૂપિયાનુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી આવનાર સમયમાં કોંગ્રેસ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ કોભાંડની યોગ્ય તપાસ થાય અને સમગ્ર કૌભાંડ ખુલ્લું પડે તેવી અમે માંગણી કરીશું.