જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં પોશાકથી જે તે વ્યક્તિની જ્ઞાતિની ઓળખ થતી હોય છે. આહીર, રબારી, ચારણ, ગઢવી, ભરવાડ અને મહેર વગેરે જ્ઞાતિની મહિલાઓ તેમના અલગ પોશાકથી તેમની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે, તે બિલકુલ સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં આહીર મહિલાઓ દ્વારા નવખંડી પોશાક ધારણ કરવામાં આવે છે. આ પોશાક એક માત્ર આહીર સમાજની મહિલાઓ પહેરે છે, જેથી આ પહેરવેશ આહીર સમાજની મહિલાઓ માટે વિશેષ છે.
નવખંડી પોશાકનો ઈતિહાસ : આહીર સમાજની મહિલાઓના પહેરવેશને નવખંડી નામ આપવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણની હાજરી અને અસ્તિત્વ જોડાયેલું છે. પ્રાચીન પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને નવખંડના નાથ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કૃષ્ણના વારસદાર તરીકે આહીર સમાજની મહિલાઓ નવખંડી પોશાક પહેરીને આજે પણ કૃષ્ણના અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
એક સરખા પોશાક, પણ વિશેષ ઓળખ : નોંધનીય છે કે, આહિર સમાજ ઉપરાંત ગઢવી, ચારણ, રબારી, ભરવાડ અને મહેર જ્ઞાતિની મહિલાઓ એક અલગ ઠાઠ સાથેનો પોશાક પહેરે છે, જે દેખાવે બિલકુલ એકસરખો લાગતો હોય છે. પરંતુ તેના કલર અને તેની બનાવટ તેને એકબીજાથી અલગ પાડે છે. આહિર સમાજ સિવાય ચારણ કે ગઢવી સમાજની મહિલાઓ ભેળીયો ઓઢે છે. પરંતુ આહિર સમાજની મહિલાઓ નવખંડી ઓઢે છે, જેથી તે અલગ પડે છે. આ સિવાય મહેર, રબારી અને ભરવાડ જ્ઞાતિની મહિલાઓ ચૂંદડી ઓઢે છે, જેથી તે અલગ તરી આવે છે.
આહીર સમાજના પોશાકની વિશેષતા : આહીર સમાજમાં આ પોશાકને પરંપરાગત પોશાક માનવામાં આવે છે. જેથી આહીર સમાજની મહિલાઓ ઘર-પરિવાર કે જ્ઞાતિમાં આયોજિત થતા શુભ, ધાર્મિક, સામાજિક, લગ્ન અને મહારાસ જેવા પ્રસંગમાં આ પહેરવેશ પહેરે છે. આહીર સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ પોશાકને દૈનિક પહેરવેશ તરીકે સ્વીકારીને આજે પણ પહેરેલી જોવા મળે છે. સૌરાષ્ટ્રની આ જ્ઞાતિઓ તેના પોશાકથી ઓળખાતી હોય છે અને દરેક જ્ઞાતિનો પોશાક એક અલગ વિશેષતા ધરાવે છે. જેના કારણે તે અન્ય પોશાકોથી અલગ પડે છે. તેવી જ રીતે આહિર સમાજનો નવખંડી પોશાક પણ અન્ય જ્ઞાતિ કરતા અલગ તરી આવે છે.