નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે સંસદમાં 'વન નેશન-વન ઇલેક્શન' બિલને મંજૂરી આપી દીધી છે. 'વન નેશન-વન ઇલેક્શન' બિલની મંજૂરી એ ચૂંટણી પ્રક્રિયા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણય પછી એક વ્યાપક બિલ આવવાની અપેક્ષા છે, જે સમગ્ર દેશમાં એકીકૃત ચૂંટણી માટે માર્ગ મોકળો કરશે.
આ પહેલા બુધવારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 'વન નેશન-વન ઇલેક્શન' પહેલ પર સર્વસંમતિ બનાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મુદ્દો રાજકીય હિતોથી આગળ વધીને સમગ્ર દેશને સેવા આપે છે. આ મુદ્દે સમિતિના અધ્યક્ષ કોવિંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "કેન્દ્ર સરકારે સર્વસંમતિ બનાવવી પડશે. આ મુદ્દો કોઈ પક્ષના હિતમાં નથી પરંતુ રાષ્ટ્રના હિતમાં છે. 'વન નેશન-વન ઇલેક્શન' છે તે એક ગેમ-ચેન્જર હશે. તેમણે કહ્યું કે, 'આ મારો મત નથી પરંતુ અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય છે, જેઓ માને છે કે તેના અમલીકરણ પછી દેશનો જીડીપી 1-1.5 ટકા વધશે.'
અહીં નોંધનીય છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે 'વન નેશન-વન ઇલેક્શન' પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય 100 દિવસની અંદર શહેરી સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો છે. આ ભલામણો પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલમાં દર્શાવવામાં આવી હતી.
Union Cabinet has approved 'One Nation One Election' Bill: Sources pic.twitter.com/uAsIyjNcCv
— ANI (@ANI) December 12, 2024
કેબિનેટની મંજૂરી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયની પ્રશંસા કરી હતી અને તેને ભારતના લોકતંત્રને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે, "કેબિનેટે એકસાથે ચૂંટણીઓ યોજવા અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો સ્વીકારી છે. આ પ્રયાસનું નેતૃત્વ કરવા અને વિવિધ હિસ્સેદારોની સલાહ લેવા બદલ હું અમારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની પ્રશંસા કરું છું. આ આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવશે. આ એક મહત્વપૂર્ણ પગલું છે જે વધુ ગતિશીલ અને અરસપરસ છે."
આ દરમિયાન, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે રાજ્ય વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, વારંવાર ચૂંટણી યોજવાથી ઘણો સમય અને જનતાના નાણાંનો વ્યય થાય છે. ચૌહાણે જણાવ્યું હતું કે, અવારનવાર ચૂંટણીના કારણે લોક કલ્યાણના કાર્યક્રમો ખોરવાય છે અને પ્રજાના નાણાંનો ઘણો વ્યય થાય છે. તેમણે કહ્યું, "હું કૃષિ પ્રધાન છું, પરંતુ ચૂંટણી દરમિયાન મેં ત્રણ મહિના પ્રચારમાં વિતાવ્યા હતા. આનાથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓનો સમય બગાડે છે. તમામ વિકાસના કામો ઠપ્પ થઈ જાય છે. પછી નવી જાહેરાતો કરવી પડે છે."
આ પણ વાંચો: