અમરેલી: અમરેલી સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ બાળ કલાકારો કલા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં જિલ્લાના બાળકો અનોખી સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યા છે, તેમાંથી જ એક છે સાવરકુંડલામાં રહેતી શ્રેયા પંડ્યા.
હાર્મોનિયમ વાદનમાં પ્રથમ: જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતી અને ગર્લ્સ હાઇસ્કુલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શ્રેયા પંડ્યાએ કલા મહોત્સવમાં જિલ્લા કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. શ્રેયાને સંગીતનો શોખ તેમના દાદા પાસેથી મળ્યો છે. તેથી જ તે કહે છે કે, તેના દાદાએ તેને સંગીત વારસામાં આપ્યું છે.
દાદા પાસેથી મળ્યો સંગીતનો વારસો: શ્રેયાને સંગીતમાં હાલરડા, ભજન ,ગઝલ જ દાદા શીખવતા હતા અને આમ તેને સંગીતમાં રસ લાગ્યો અને પછી તેણે મ્યુઝિક ક્લાસમાં જઈને સંગીત શીખવાનું શરૂ કર્યું. હાલ શ્રેયાએ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ પ્રથમક્રમ મેળવીને હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ પ્રદેશ કક્ષાના કલા મોહત્સવમાં ભાગ લેવા માટે જશે.
શ્રેયાની સિદ્ધી: શ્રેયા પંડ્યાના સંગીતગુરૂ ભક્તિબેન પરમાર વર્ષોથી સાવરકુંડલા શહેરમાં મ્યુઝિકલ ક્લાસ કરાવી રહ્યા છે, તેમની પાસેથી જ શ્રેયાએ સંગીતનું શિક્ષણ મેળવ્યું છે. અહીં ન માત્ર શ્રેયા પરંતુ અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સંગીતની કળા શીખીને રાજ્ય કક્ષા સુધી ડંકો વગાડ્યો છે.
શ્રેયા પંડ્યાના સંગીત ગુરૂ ભક્તિબેન પરમારે જણાવ્યું હતું કે, આ કલા મહોત્સવની અંદર પોતાના વિદ્યાર્થીઓ ભાગ લેવા જાય છે. વિદ્યાર્થીઓ પાછળ તેઓ ચારથી છ કલાક સુધી મહેનત કરે છે, અને વિદ્યાર્થીઓને કલાનું જ્ઞાન આપે છે અને તેમને હાર્મોનિયમ તેમજ તબલા વાદન, ભજન, લોકગીતના સૂર શીખવાડી રહ્યા છે.
આમ તો અમરેલી જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં મ્યુઝિકલ ક્લાસ ચાલે છે, તો સાથે જ પોતાના બાળકોના વારસામાં મળેલા ભજન અને સંગીતના સૂર હાલ અનેક વિદ્યાર્થીઓ ઉજાગર કરી રહ્યા છે અને પોતાની અંદર છુપાયેલી કળાને ઉજાગર કરી રહ્યાં છે.