જુનાગઢ: આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. 200 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે. જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ શાકોત્સવ, અને જાણો તેના અંગે...
સ્વામિનારાયણ સંપ્રદાય અને દિવ્ય શાકોત્સવ
સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે, આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે 18 મણ ઘી અને 60 મણ રીંગણનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે. જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે.
સાકોત્સવની પરંપરા વિક્રમ સંવંત 1877 થી શરૂ
સંપ્રદાય પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની ધાર્મિક ઉત્સવ વિક્રમ સંવત 1877 થી સૌરાષ્ટ્રના લોયા ગામથી શરૂ થાય છે. આ પ્રસંગે લોયા ગામના દરબાર સુરા ખાચરે ભગવાનની કૃપાથી ખૂબ સુખ સંપત્તિ પ્રાપ્ત કરી હતી. એ સમયે તેમના ઘરમાં ટ્રકમાં સમાય તેવા પટારાઓમાં સંપત્તિ રાખી હતી. કેટલાક સમય બાદ પટારાની ચોરી થઈ આ પટારો ચોરોથી ન ખુલતા તે જંગલમાં મૂકીને પરત જતા રહ્યા. સુરા ખાચરની ઘરેથી ચોરી થયેલો આ પટારો પરત મળતા તેમણે ભગવાન કાર્યમાં અડધી રકમ વાપરવાની પ્રતિજ્ઞા કરી, પરત પટારો મળતા તેમાં રહેલી તમામ સંપત્તિ હેમખેમ હતી. આ જોઈને સુરા ખાચર પણ ખૂબ જ અવાક બની ગયા અને તેમણે કરેલી પ્રતિજ્ઞા મુજબ અડધી રકમ ભગવાન કાર્યમાં વાપરવાની વાત તેમના પત્નીને કરી હતી.
સુુરા ખાચરના પત્નીની ઉદારતા
પટારો પરત મળતા સુરા ખાચરના પત્ની શાંતા બહેને તમામ રકમ ભગવાન કાર્યમાં ખર્ચવાની વાત કરી. જો પટારો ચોર લઇ ગયા હોત અને તે ખોલવામાં સફળ રહ્યા હોત તો પટારામાં રહેલી સંપત્તિનો તમામ હિસ્સો ચોર પાસે હોત. પરંતુ ભગવાનની કૃપાથી પટારો તોડવામાં અસફળ રહેતા હવે તમામ સંપત્તિથી 18 મણ ઘી અને 60 મણ રીંગણના સાથે ધાર્મિક ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. જેને શાકોત્સવ નામ આપવામાં આવ્યું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ વિધિને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે સ્વયં કર્યો વઘાર
લોયા ગામમાં સુરા ખાચર અને તેમની પત્ની દ્વારા આયોજિત શાકોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં રીંગણના શાક પર વઘાર કરીને શાકોત્સવને પ્રસાદ બનાવી આપ્યો. સાથે બાજરીના રોટલા અને ચુરમાના લાડુનું ભોજન સ્વામિનારાયણ સ્વયં લોકોને પીરસીને શાકોત્સવની સૌથી પહેલી પરંપરા આજથી 200 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1877 માં શરૂ કરી હતી. જે આજે આધુનિક યુગમાં પણ એ જ ભાવ સાથે આગળ વધી રહી છે શિયાળા દરમિયાન રીંગણની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે વધુમાં આ દિવસો દરમિયાન તમામ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક અને સામાજિક સ્થાનોમાં પણ આ જ પ્રકારે શાકોત્સવનું આયોજન કરીને 200 વર્ષ પહેલાની આ પરંપરાને ધાર્મિક ભાવ અને એકતા સાથે મનાવવામાં આવે છે.