બનાસકાંઠા: આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પુનમ મહોત્સવની ભવ્ય ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક મળી હતી. આયોજન અંગે મળેલી બેઠકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર અંબાજી નગરમાં શોભાયાત્રા યોજવા, 35 થી વધુ ઝાંખીઓ અને 2100 કિલો સુખડીના પ્રસાદ બનાવવા સહિતના નિર્ણયો લેવાયા હતા.
શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે કે આદ્યશક્તિમાં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી પોષી પુનમ મહોત્સવની અગત્યની બાબતો જેવી કે દર્શન વ્યવસ્થા, ભોજન, શોભાયાત્રા, મહાશક્તિ યજ્ઞ વગેરેના આયોજન અંગે વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને સબંધિત સભ્યો સાથે બેઠક યોજાઈ હતી.
![અંબાજીમાં આગામી પોષી પૂનમના દિવસે બનશે 2100 કિલો સુખડીનો પ્રસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-bk-ambaji-bethak-photostory_12122024144931_1212f_1733995171_685.jpg)
જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચરચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. યજ્ઞમાં યજમાનોની નોધણી શરુ કરવામાં આવેલ છે. યજ્ઞમાં નોંધણી ઈચ્છુક યજમાનો મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીનો સંપર્ક કરી નોધણી કરી શકે છે. માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિદ્વારે આરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે.
![અંબાજીમાં આગામી પોષી પૂનમના દિવસે બનશે 2100 કિલો સુખડીનો પ્રસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-bk-ambaji-bethak-photostory_12122024144931_1212f_1733995171_97.jpg)
અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે. સવારે 10:30 કલાકે શક્તિદ્વારથી હાથી ઉપર મા અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવશે. શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. અંબાજી મંદિરમાં શાકોત્સવ - શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે. ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાત્રિના 8:00 કલાકે અંબાજી મંદિરના ચચારચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો, દેવસ્થાન ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
![અંબાજીમાં આગામી પોષી પૂનમના દિવસે બનશે 2100 કિલો સુખડીનો પ્રસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/gj-bk-ambaji-bethak-photostory_12122024144931_1212f_1733995171_622.jpg)
આ પણ વાંચો: