રાજકોટઃ નાફેડને બંધ કરવાની ફાઈલ પાછલી યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકારોમાંથી આવેલી હોવાનો દાવો કુંડારીયાએ રાજકોટ ખાતે પત્રકારોને સંબોધતા કર્યો હતો. આ સંસ્થા ખેડૂતોની સંસ્થા હોય અને ભારતીય જનતા પક્ષના નેજા હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની વર્ષ 2014ની સરકારમાં મોહનભાઈ કુંડારિયા પાસે કૃષિનો હવાલો હોવાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરેલી ચર્ચા મુજબ આ સંસ્થાને ટકાવી રાખવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવાથી આજે આ સંસ્થા કાર્યરત છે અને એ પ્રયાસોનું ગૌરવ લેતા કુંડારીયાને નાફેડનાં ડાયરેક્ટરપદે બિનહરીફ ચૂંટાયા હોવાનું ગૌરવ છે.
બિનહરીફ ચૂંટાયાઃ નાફેડ દ્વારા ગત નાણાકીય વર્ષમાં 2.5 અબજ (250 કરોડ) રૂપિયાનો નફો કર્યો છે અને સૌથી વધુ કૃષિ આધારિત ખરીદી કોઈ સહકારી સંસ્થાએ કરી હોય તો નાફેડ દ્વારા કરવામાં આવી છે. કૃષિ આધારિત બોર્ડની બેઠકો માટે ભારતમાં 556 મતો નાફેડમાં છે જેમાં 298 મતો ગુજરાતનાં છે અને એમાં પણ 198 મતો રાજકોટ અને મોરબીનાં હોવાને કારણે તમામ સહકારી આગેવાનોએ નિર્ણય લીધા બાદ મોહનભાઇ બિનહરીફ ચૂંટાયા હતા.
આભાર માન્યોઃ સૌરાષ્ટ્રના મતદારો વધારે હોવાનું મુખ્ય કારણ સૌરાષ્ટ્રના દ્વિવંગત નેતાઓએ આ દિશામાં ભૂતકાળમાં જે રસ લીધો હતો અને કૃષિ આધારિત રાજનીતિમાં સૌરાષ્ટ્રનો દબદબો ભવિષ્યની પેઢીએ જાળવી રાખતા મોહનભાઈ આ પદે બિનહરીફ ચૂંટાયા હોવાની વાત પણ તેમણે પત્રકારો સમક્ષ સ્વીકારી અને આ નેતાઓનો આભાર પણ માન્યો. NAFED એટલે નેશનલ એગ્રિકલચર કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, જે સંસ્થા ખેડૂતોની જણસો અને ખેતપેદાશો સમગ્ર દેશમાંથી કરે છે તેની સ્થાપના 2જી ઓક્ટોબર 1958ના દિવસે ગાંધી જયંતિના દિવસે કરવામાં આવી હતી.