જુનાગઢ: આગામી બે દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીથી રાહત મળવાના સંકેતો જુનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે, પરંતુ 24મી જાન્યુઆરી બાદ ફરીથી ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં પવનની ગતિ સામાન્ય થી વધારે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન શિયાળુ પાકો ઘઉં ચણા જીરું અને કેરીના પાકને ઠંડી આશીર્વાદ સમાન બની શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બે દિવસ બાદ ઠંડીમાં થશે ઘટાડો
હાલ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું સુસ્વાટો જોવા મળી રહ્યો છે. દિવસ અને રાત્રિના સમયે લોકોને શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ જ પ્રકારનું વાતાવરણ આગામી બે દિવસ સુધી જળવાતો જોવા મળશે, ત્યારબાદ દિવસ અને રાત્રીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે,જેને કારણે લોકોને ગુલાબી ઠંડી માંથી થોડે ઘણે અંશે રાહત મળવાની સંભાવના છે.
પરંતુ 24 તારીખ અને શુક્રવારથી ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં લોકો વધુ એક વખત શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ કરી શકશે. પશ્ચિમ વિક્ષૌપની અસરને કારણે હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જે આગામી દિવસોમાં આગળ વધવાની શક્યતા પણ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમસમી વરસાદથી ઠંડી
કૃષિ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનુ પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, તે મુજબ ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે હિમવર્ષા થવાની સાથે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવા પામશે જેથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું એક નવું મોજું ફરી વળે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે પણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે
રવિ પાકો માટે વાતાવરણ સારું
કૃષિ હવામાન વિભાગના સહ સંશોધક પ્રોફેરસ ધીમંત વઘાસીયાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ ટેલીફોનીક વાતચીત દરમિયાન આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, રવિ પાકો માટે ઠંડીનું પ્રમાણ અને તેના દિવસોને સારા માનવામાં આવ્યા છે. શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા, જીરુ અને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં થતી કેસર કેરી માટે આ ઠંડીની ઋતુ અને દિવસો ખૂબ જ અનુકૂળ માનવામાં આવી રહ્યા છે.
જેમ જેમ ઠંડીનું પ્રમાણ અને દિવસો આગળ વધતા જશે તેમ તેમ રવિ પાકોમાં રોગ જીવાતના ઉપદ્રવનું પ્રમાણ એકદમ નહિવત રહેવાની સાથે તેમાં ફળ બેસવાની ક્રિયા પણ સૌથી વધારે જોવા મળી શકે છે, જેના કારણે સતત આગળ વધતી ઠંડી શિયાળુ પાકો માટે આશીર્વાદ સમાન પણ બની શકે છે.