જૂનાગઢ: આદ્રા નક્ષત્રમાં વણિકો કેરીનો ત્યાગ કરતા હોય છે. તેની પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમાયેલો જોવા મળે છે. 22 જૂનના દિવસે આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે 21મી જૂન સુધી વણિકો આમ્રફળને આરોગ્યા બાદ એક વર્ષ સુધી કેરીનો ત્યાગ કરતા હોય છે. જાણો તેમની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય...
વણિકો આદ્રા નક્ષત્રમાં કેરીનો કરે છે ત્યાગ: વણિકો ચોમાસાના આદ્રા નક્ષત્ર બાદ કેરીનો ત્યાગ કરતા હોય છે. 22 જૂનના દિવસે આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે તમામ વણિકો 21મી જૂન સુધી કેરીને આરોગશે. ત્યારબાદ એક વર્ષ સુધી કેરીને આરોગવાનું ટાળતા હોય છે. તેની પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય જોડાયેલું છે. ચોમાસાની ઋતુ દરમિયાન કેરી અને જાંબુ ફળ આવતા હોય છે. પરંતુ ચોમાસાના વાતાવરણની અસરને કારણે આદ્રા નક્ષત્ર બેસતા કેરી અને જાંબુ જેવા સ્વાદિષ્ટ અને રસદાર ફળમાં સૂક્ષ્મ જીવોની ઉત્પતિ થતી હોય છે. જેને કારણે વણિકો કેરી અને જાંબુ જેવા ફળોને આદ્રા નક્ષત્ર બેસી ગયા બાદ આરોગવાનું ટાળતા હોય છે.
જૈનાગમ શ્રી દસ વૈકાલિક સૂત્રમાં ઉલ્લેખ: જૈન ધર્મના જૈનાગમ શ્રી દસ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ જણાવ્યુ છે તે મુજબ 'સૌવ્વે જીવાવિ ઇચ્છંતી જીવવું' એનો મતલબ એ થાય કે, જગતના દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી જેને કારણે આદ્રા નક્ષત્રમાં કેરી અને જાંબુમાં સૂક્ષ્મ જીવોની ઉત્પતિ થાય છે. તેથી જીવદયાના હિમાયતી એવા વણિક સમાજ આદ્રા નક્ષત્રમાં કેરી અને જાંબુ જેવા ફળોને આરોગવાનું ટાળતા હોય છે. જૈન આગમ શ્રી, ચંદ્ર, સૂર્ય, પ્રગ્નપ્તિ, સૂત્ર તથા શ્રી શમ્વાયાંગ સૂત્ર વિભાજિતથી લઈને ઉત્તરાષાઢા એમ 28 પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે તેમાં પણ આદ્રા એક નક્ષત્ર છે. આદ્રા નક્ષત્ર બેસવા સાથે જ આમ્ર ફળ એટલે કે કેરીના સ્વાદમાં પણ ફરક પડી જતો હોય છે. આદ્રા નક્ષત્ર બાદ કેરીને આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ અને વાયુના રોગો થવાની શક્યતાઓ પણ જોવા મળે છે. જેને કારણે પણ જૈન લોકો આદ્રા નક્ષત્ર પછી કેરી ખાવાનું ટાળતા હોય છે.