જૂનાગઢઃ તા.2જી મેના રોજ વડાપ્રધાન મોદી જૂનાગઢ ખાતે ચૂંટણી સભા સંબોધવાના છે. આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના રમતગમત સંકુલમાં કરવામાં આવ્યું છે. આ સભામાં જૂનાગઢ અમરેલી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના લોકો સામેલ થવાના હોવાથી ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સભામાં 40 હજાર જેટલા લોકો બેસી શકે તેમજ અન્ય વ્યવસ્થાઓને યુદ્ધના ધોરણે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
3 લોકસભા બેઠકને આવરી લેશેઃ વર્ષ 2019માં નરેન્દ્ર મોદીએ આ જ સ્થળે ચૂંટણી સભા સંબોધી હતી. તે સમયે પણ જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા મત વિસ્તારને આવરી લેતી ચૂંટણી સભા યોજાઈ હતી. વર્ષ 2019માં વડાપ્રધાને ગુજરાતમાં ચૂંટણી પ્રવાસની શરૂઆત સૌ પ્રથમ વખત જૂનાગઢ ખાતે ચૂંટણી સભા સંબોધીને કરી હતી. આ વર્ષે વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રવાસના બીજા દિવસે જૂનાગઢમાં ચૂંટણી સભાનું આયોજન થયું છે. જેમાં જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવી છે.
ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓઃ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે તેના બીજા દિવસે એટલે કે તા.2જી મેના રોજ જૂનાગઢની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના રમત ગમત સંકુલમાં એક જંગી ચૂંટણી સભા સંબોધવાના છે. જેમાં જૂનાગઢ ઉપરાંત અમરેલી અને પોરબંદર લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવશે. આ સ્થળે અંદાજીત 40 હજારથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના છે. તેથી ચૂંટણી સભાના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણી સભામાં વડાપ્રધાન પોતે નિર્ધારીત કરેલા મતોના અંતરથી લોકસભા બેઠક જીતવાનો ગુરુમંત્ર આપી શકે છે.