જામનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં અત્યંત વ્યસ્ત છે. ભાજપના પરિમલ નથવાણી પણ જામનગર મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે ETV BHARATએ કરી છે એકઝક્લુઝિવ વાતચીત.
પૂનમ માડમ સંમેલનમાં હાજરઃ મંગળવારે ઓશવાળ સેન્ટર ખાતે લોહાણા જ્ઞાતિનાં યોજાયેલા સંમેલનમાં હાજર રહેવા આવેલા પરિમલ નથવાણીએ સવારે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરતા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોમાં ફાટી નીકળેલા જુવાળનાં સંદર્ભે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે આ વ્યથા રજૂ કરી હતી. આ સંમેલનમાં એકાદ હજારથી પણ વધુ લોહાણા સમાજના હાલાર પ્રદેશના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પૂનમ માડમે પણ સમ્મેલન અને ભોજન સમારંભમાં હાજરી આપી હતી.
ETV BHARAT: આ વખતની જામનગરમાં ચૂંટણીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
પરિમલ નથવાણી : અત્યાર સુધી મેં જોયેલી વિધાનસભા તેમજ લોકસભાની અનેકો-અનેક ચૂંટણીઓથી આ ચૂંટણી અલગ છે. આવું વાતાવરણ આપણે કોઈ દિવસ જામનગરમાં જોયું ન હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પ્રચારને લઈને હું થોડો ચિંતિત છું કારણ કે નેતાઓ કે એવા અસરકારક લોકો અન્ય તત્વોને તોફાન માટે પ્રેરી નથી રહ્યા જેટલા આ ટપોરી તત્વો લોકોને તોફાનો માટે ઉશ્કેરી રહ્યા છે. જામનગરમાં આજ દિવસ સુધી ચૂંટણીઓ હંમેશા શાંતિપૂર્ણ રીતે થઈ છે. ક્ષત્રિય સમાજનાં પ્રશ્નોને લઈને તેમનાં નેતાઓ બોલે એ સમજી શકાય, પણ અત્યારે જ્યારે પૂનમ માડમની સભાઓ થાય છે તેમાં જે પ્રકારનાં તોફાનો જોવા મળ્યા છે તેવા તોફાનો કોઈ દિવસ જોયા નથી. પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે તે અયોગ્ય છે અને બહુ શરમજનક બાબત છે.
ETV BHARAT: આવા તત્વો સામે કોઈ સાયબર ફરિયાદ કે એક ટેલિકોમ કંપની તરીકે કોઈ પગલાં લેવાનાં છો?
પરિમલ નથવાણી : આ બાબતે શું ચાલી રહ્યું છે એ મને ખબર નથી પણ પોલીસનું સાયબર સેલ આ બધી ગતિવિધિઓ પર નજર રાખીને બેઠું છે. આવા વિડીયોઝનો એ લોકો તલસ્પર્શી રીતે અભ્યાસ કરી રહ્યા છે. એ દિશામાં પોલીસ તરફથી જે થવું જોઈએ એ થઈ જ રહ્યું છે. આ બધું તો 7 તારીખ સુધી જ છે. ત્યારબાદ તો બધા એક સાથે હળીમળીને બેસેલા જોવા મળશે.
ETV BHARAT: ગુજરાત-ભારતમાં ઘણા કોર્પોરેટ લીડર્સ છે પણ કોઈ આપની જેમ ખુલીને રાજનૈતિક સમર્થન નથી કરતું, આનું કારણ શું?
પરિમલ નથવાણી : એનું કારણ છે હું આ વિસ્તારનો છું. મૂળ રીતે જામ-ખંભાળીયાનો છું. મેં ઘણા સમાજસેવી કાર્યો કર્યા છે. જ્યારે સરકાર કોંગ્રેસની હતી, હું સાંસદ પણ ન હતો અને રીલાયન્સ સાથે પણ ન્હોતો જોડાયો એટલે સમાજસેવાને કારણે રાજકારણ સાથે મારે સીધો કે આડકતરો સંબંધ રહ્યો છે. તેથી હું ખુલીને કોઈપણ મુદ્દાને સમર્થન આપું છું.
ETV BHARAT : તમે કોંગ્રેસ-બીજેપીનાં નેતાઓ સાથે જોવા મળો છો, પણ હવે ક્યાંક તમારો ઝુકાવ કોંગ્રેસ તરફથી બીજેપી તરફ થયો છે?
પરિમલ નથવાણી : ના એવું નથી, મારા સંબંધો કોંગ્રેસ અને બીજેપી બન્ને પક્ષોનાં નેતાઓ સાથે રહ્યા છે. હું એક વખત સંબંધ બાંઘુ પછી છોડતો નથી. હું ધારત તો બીજેપીમાંથી રાજ્યસભામાં સાંસદ બની શકત પણ મેં બન્ને ટર્મમાં એક વખત અપક્ષ તરીકે ઝારખંડમાંથી અને જગન સાહેબનાં પક્ષમાંથી આંધ્ર પ્રદેશથી રાજ્યસભાની સંસદ તરીકેની સદસ્યતા મેળવી છે.
ETV BHARAT: હવે થોડી વાત વેપારને લાગતી કરી લઈએ, હાલમાં કોઈ જમીન રીલાયન્સ જૂથને ફાળવવામાં આવી છે?
પરિમલ નથવાણી : રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે હાલમાં અમોને જામજોધપુર, જામનગર અને કચ્છ વિસ્તારમાં ગુજરાત અને ભારત સરકાર દ્વારા ઘણી મોટી જમીનો ફાળવવામાં આવી છે. એનું પ્લાંનિંગ લેવલનું કામ ચાલી રહ્યું છે. તેમાં રિક્રુટમેન્ટ વગેરે ચાલી રહ્યાં છે.
ETV BHARAT: વર્ષ 2011માં વાયબ્રન્ટ ગુજરાતમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ સીમેન્ટ ક્ષેત્રે પદાર્પણ કરવા કચ્છમાં પ્લાંટ સ્થાપવા ગુજરાત સરકાર સાથે કરારો કર્યા હતા તેનું શું સ્ટેટસ છે?
પરિમલ નથવાણી : ના મને નથી લાગતું કે અમે હવે એમાં ક્યાંય પિક્ચરમાં છીએ.
ETV BHARAT: શું છે આપનો સંદેશ?
પરિમલ નથવાણી : મારો સંદેશ બહુ સરળ છે, આપણે ભાઈચારો કાયમ રાખવો જોઈએ. ચૂંટણી તો 7 તારીખે પૂર્ણ થઈ જશે, પણ કોઈનાં મનમાં અંટસ ન રેહવી જોઈએ. નેતાઓ બોલે તે એમનો અધિકાર છે પણ ટપોરીઓ ટિપ્પણીઓ કરે એ અયોગ્ય છે.