ગાંધીનગરઃ ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. છેલ્લા કલાકોમાં દરેક રાજકીય પક્ષ મતદાતાઓને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ માટે ક્ષત્રિય સમાજનો રોષ એક મોટો પડકાર બની શકે તેમ છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની ટિકિટ રદ કરવાની માંગ પૂર્ણ ન થતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. અગાઉ જે વિરોધ રૂપાલા સામે હતો તે હવે ભાજપ સામે થઈ ગયો છે. ક્ષત્રિય સંમેલનોમાં ભાજપ વિરુદ્ધ મત આપવાની વાત થઈ રહી છે. આ સંજોગોમાં ભાજપે ક્ષત્રિયોનો ટેકો આપવા જાહેર પત્ર લખ્યો છે. જેમાં ક્ષત્રિયોને 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' અનુસાર વર્તવા અપીલ કરી કરવામાં આવી છે.
જાહેર પત્રઃ ભાજપે ક્ષત્રિય સમાજને જે જાહેર પત્ર લખ્યો છે તેમાં પરષોત્તમ રૂપાલા નહિ પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા માટે અપીલ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370ની નાબૂદીનો સંકલ્પ સાકાર થયો છે. રાષ્ટ્રીય અખંડિતતાની સિદ્ધિ પણ સાકાર થઈ છે. આગામી વર્ષોમાં પણ સમગ્ર વિશ્વમાં ભારતને 'વિશ્વ ગુરુ'બનાવવાની શરૂ થયેલી પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા ભાજપે તમામ ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય સમાજને હૃદય પૂર્વકની અપીલ કરી છે.
'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ની અપીલઃ રૂપાલાના નિવેદન અંગે માફી આપી રાષ્ટ્રહિતમાં ભાજપને સમર્થન કરવાની વાત પત્રમાં કરવામાં આવી છે. ભાજપે પત્રમાં ક્ષત્રિય સમાજને 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' અનુસાર વર્તવા અપીલ કરી છે. ભાજપે ક્ષત્રીય આગેવાનોને જણાવ્યું છે કે, પરષોત્તમ રૂપાલાજીના નિવેદનથી જે દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે. એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. સૌના આઘાતની આ લાગણીને તુરત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પરષોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે.
રુપાલાએ માફી માંગતા શું કહ્યું?: જ્યારથી રુપાલા વિવાદ સર્જાયો છે ત્યારથી રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે. રૂપાલાએ એમ પણ કહ્યું છે કે -'ભૂલ મેં કરી છે; તો તેની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શા માટે કરો છો?'એમ કહીને પણ રૂપાલા એ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી 'ક્ષમાં વિરસ્ય ભૂષણમ્'ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવવી જોઈએ તેમ ભાજપે પત્રમાં લખ્યું છે.