જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ ગામે એક સિંહણનું ખેતરમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર વીજતારમાં વીજકરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સિંહણના મોત બાદ બે શખ્સોએ સિંહણના મૃતદેહને દફનાવી પણ દીધો હતો. આ વિસ્તારમાં ફરતી સિંહણની ગુરુવારે ભાળ ન મળતાં વન વિભાગે લોકેશન ટ્રેક કર્યું ત્યારે આ ઘટના સામે આવી હતી.
વન વિભાગે સિંહણનું લોકેશન ટ્રેક કર્યું : સિંહણના મોત અંગે વિગતે વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ, શેઠવડાળા અને સમાણા સહિતના ડુંગરાળ વિસ્તારમાં ગીરમાંથી એક સિંહણ આવી પહોંચી હતી. આ વિસ્તારમાં સિંહણ આવતા સ્થાનિકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતાં. જોકે, ગુરુવારે અચાનક સિંહણ ગાયબ થઇ જતાં વન વિભાગે સિંહણને લગાવેલા રેડીયો કોલરના આધારે તેનું લોકેશન ટ્રેક કરતાં સિંહણનું લોકેશન કાલાવડ આસપાસ મળ્યું હતું.
ખાણમાં દફનાવેલો મૃતદેહ મળ્યો : વન વિભાગને સિંહણનું લોકેશન કાલાવડ આજુબાજુ મળતાં જૂનાગઢ CCF અને કાલાવડના RFO સહિતની ટીમ આ વિસ્તારમાં સિંહણને શોધવામાં કામ લાગી હતી. આ દરમિયાન કાલાવડના હંસથલ ગામ પાસે ખાણમાંથી વન વિભાગની ટીમને દુર્ગંધ આવતાં ખાણમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહણનો દફનાવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
વીજ કરંટથી સિંહણનું મોત થયું હોવાનો ખુલાસો : સિંહણનો મૃતદેહ મળતાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સિંહણનું મોત વીજ કરંટથી થયું હોવાનો ખુલાસો થયો હતો. આથી વન વિભાગની ટીમે તપાસ કરતાં અહીં ગેરકાયદેસર લગાવેલા વીજ તારના કરંટથી સિંહણનું મોત થયું હતું અને સિંહણના મોત બાદ બે શખ્સોએ સિંહણના મૃતદેહને દફનાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. આથી વન વિભાગે શંકાના આધારે બે શખ્સોને રાઉન્ડપ કરીને વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાના આધારે બે શખ્સોને રાઉન્ડ અપ કર્યા : આ અંગે કાલાવડના ફોરેસ્ટ વિભાગના આરએફઓ રાઠવાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહણનું લોકેશન ટ્રેસ થતાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન દુર્ગંધ આવતાં તપાસ કરતાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરતાં વીજ કરંટથી સિંહણનું મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. અત્યારે શંકાના આધારે બે શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે,એમની પૂછપરછમાં શખ્સોએ ગાડામાં સિંહણનો મૃતદેહ લઇ આવ્યાં હોવાનું જણાઇ આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે.